આવી રહ્યો છે ઉનાળો !

આવનારો ઉનાળો અત્યારથી વોર્નિંગ આપી રહ્યો છે ! એપ્રિલ-મે તો દૂર છે, ફેબ્રુઆરીમાં જ રેકોર્ડ તોડી રહ્યો છે ! આવા સમયે સાંભળો, કવિ મન્નુજીની સુપર-કુલ કવિતા…

*** 

સ્વેટર મુકો ઊંચા
મફલરની ગડી વાળો
શાલમાં મુકો ડામર-ગોળી
રજા રજાઈને આપો…
આવી રહ્યો છે ઉનાળો !

*** 

કાઢાના દહાડા ગયા
હવે શરબત-છાશની છોળો
રાત પડે બરફનો ગોળો
સાંજે શેરડીનો રસ વ્હાલો…
આવી રહ્યો છે ઉનાળો !

*** 

હવે ચ્હાને ઓછી ઉકાળો
કોફીની ભૂલો વરાળો
જીભને પણ ટાઢક આપો
પ્લીઝ, ઓછી બોલો ગાળો !
આવી રહ્યો છે ઉનાળો !

*** 

સિલીંગ ફેનને સાફ કરો
એસીનાં હવે બિલ ભરો
નળમાં આવશે ઊનાં પાણી
ઝટ ટાઢા પાણીએ નહાઓ…
આવી રહ્યો છે ઉનાળો !

*** 

મોર્નિંગ-વોકો બહુ થઈ
હવે કૂતરાંને ઊંઘવા દો
મેથીપાક પણ નહીં પચે
ઘરમાં ખિચડીઓ થવા દો..
આવી રહ્યો છે ઉનાળો !

*** 

ધાબાં ઉપર પાણી છાંટો
વંડીમાં ઢોલિયા ઢાળો
ધોળે દહાડે ઘણા જોયા
હવે રાતના તારાનો વારો…
આવી રહ્યો છે ઉનાળો !

*** 

પાયજામાના દહાડા ગયા
ધણી બરમૂડાવાળો
બહેનો બાંધશે બુકાનીઓ
સાચવજો મગજનો પારો…
આવી રહ્યો છે ઉનાળો !

*** 

પેટ્રોલ-ડિઝલમાં ભડકો
મોંઘવારીની લાગે ગાળો
પણ ફરિયાદો મીઠ્ઠી કરજો
રહેવા દો લોહી-ઉકાળો…
આવી રહ્યો છે ઉનાળો !

***

- મન્નુ શેખચલ્લી

Comments