નિર્મલાજી ભલે પોતાને મિડલ ક્લાસ કહેતાં હોય, પરંતુ દેશના મિડલ ક્લાસ લોકોનાં બજેટો ખરેખર માઈક્રો સાઈઝનાં હોય છે ! અને સમજો તો રમૂજી પણ હોય છે…
***
ગૃહિણીનું બજેટ
આવક : પતિના પાકિટમાં જે પૈસા કાઢી લીધા તે.
જાવક : શાકભાજી, પાણીપુરી અને બ્યુટિપાર્લરમાં વપરાઈ ગયા તે.
બચત : કીચનના ડબ્બાઓમાં અને કબાટમાં કપડાંઓ વચ્ચે સંતાડી રાખ્યા છે તે.
ટેક્સ : ક્યારેક પતિને છૂટ્ટા માટે આપવા પડ્યા હોય તે.
***
સ્ટુડન્ટ (છોકરાઓ)નું બજેટ
આવક : પપ્પા પાસેથી જીદ કરીને અને મમ્મીને મસકા મારીને કઢાવેલા પોકેટ મની.
જાવક : પાન-મસાલા, પિક્ચર, પિત્ઝા, પેટ્રોલ અને ગર્લફ્રેન્ડ પાછળ વપરાઈ ગયા તે.
બચત : મોબાઈલમાં ઓનલાઈન ગેઈમમાં જીતેલા ડિજીટલ કોઈન.
ટેક્સ : મમ્મી-પપ્પા આગળ આપણી પોલ ખુલ્લી ના પડી જાય એના માટે નાનાભાઈ અથવા બહેનને આપવી પડતી લાંચ.
***
સ્ટુડન્ટ (છોકરીઓ)નું બજેટ
આવક : પપ્પાને મસકા મારીને તથા મમ્મી આગળ જીદ કરીને લીધેલા પૈસા.
જાવક : બ્યુટિપાર્લર, ડ્રેસિસ, શોપિંગ... બ્યુટિપાર્લર, ડ્રેસિસ, શોપિંગ.
બચત : બોયફ્રેન્ડને પટાવીને લીધેલી ગિફ્ટો અને બોયફ્રેન્ડે મોબાઈલમાં કરાવેલું બેલેન્સ.
ટેક્સ : મોટાભાઈ અથવા નાની બહેનની પોલ ઉઘાડી નહીં પાડવા માટે ધાક-ધમકીથી ઉઘરાવેલી રકમ.
***
પપ્પાનું બજેટ
આવક : નોકરીનો પગાર, જે સીધો બેન્કમાં જમા થાય છે તે.
જાવક : ઘરના હપ્તા, વાહનના હપ્તા, ટ્યુશનની ફી, કરિયાણાનું બિલ, લાઈટ બિલ, ગેસ બિલ, કામવાળીનો પગાર, સ્કુલ-વાનનો પગાર, વગેરે વગેરે વગેરે.
બચત : સરકારી નોકરી હોય તો ઉપરની કમાણી અને ખાનગી નોકરી હોય તો પત્નીથી છુપાવેલો ઓવરટાઈમ.
ટેક્સ : ક્રિકેટ મેચ હોય છતાં આપી દેવું પડતું ટીવીનું રિમોટ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment