અઘરા રિવ્યુની ટૂંકી વારતા !

રિધ્ધિમાગૌરી દ. દંતાણી સાતમી વાર પોતાની વાર્તાનો રિવ્યુ વાંચી રહ્યા હતાં. છાપાની પૂર્તિમાં છપાયેલા મંકોડાના પગ જેવડી સાઈઝના શબ્દોનો જાણે પોતે મુરબ્બો બનાવીને ચાટી જવાનું હોય તેવાં રસ-મગ્ન થઈને તેમણે ફરી વાંચ્યું : 

‘લેખિકાની અનોખી કથનશૈલીમાં નૈસર્ગિક પરિવેશ અને અંતરદ્વંદ્વના કોલાહલની દ્વૈત-અદ્વૈત સંરચનામાં નવીન સર્જનાત્મકતાનાં કલ્પનો અનાયાસે પડઘાતાં રહે છે. ‘પથરો’ નામની વાર્તા અહીં નાયકનાં મનતરંગોને લઈ-ડૂબવાને બહાને ચાલાક વાચકે ધારી લીધેલાં ચીલાચાલુ કલ્પનોનાં મેઘધનૂષને અણીની યે આંચ ન આવે તે રીતે વેરવિખેર કરી નાંખવાનું કામ સહજતાથી પાર પાડે છે…’

આમ તો રિવ્યુ ખાસ્સો લાંબો હતો અને સત્તર વખત વાંચવા છતાંય રિધ્ધિમા દંતાણીને પોતાને જ ના સમજાય તેવો હતો. છતાં લેખિકાનું મન, પેલું ચીલાચાલુ સાહિત્યકારો લખે છે તેમ ‘સાતમા આસમાનમાં’ હતું ! કારણ ? સિમ્પલ હતું ! 

છાપાની પૂર્તિમાં જે ઠેકાણે અગાઉ જાપાનીઝ, ઈઝરાઈલી, જર્મન, ઝેકોસ્લોવેકિયન અને હંગેરીયન ભાષામાં લખનારા એવા એવા મહાન લેખકોની વારતાઓનાં રિવ્યુ છપાઈ ચૂક્યા હતા કે તમને આખા ગૂગલમાંય શોધ્યા ના જડે ! એ જ ઠેકાણે, રિધ્ધિમાના એક આખેઆખા પુસ્તકનો રિવ્યુ છપાયો હતો ! એમાંય ‘પથરો’ તો રિવ્યુના અડધો-અડધ વિસ્તારમાં ફેલાઈ ગયો હતો !

સવારથી જ અભિનંદનના ફોનોની રમઝટ જામી હતી. એમાંય રિદ્ધિમાગૌરી દ. દંતાણીએ જેના ગાઈડન્સ હેઠળ પી.એચડી. કરેલું (વિષય હતો : આધુનિક ગુજરાતી ગદ્યલેખનમાં કથનાત્મક સાહિત્ય સ્વરૂપોનું ત્રિ-પરિમાણાત્મક મંથન) તે પ્રોફેસર બી. ડી. પાનવાલાનો ફોન તો 47 મિનિટ લગી ચાલ્યો ! 

એમનાં લાંબા લાંબા ફકરા જેવાં વાક્યોનો 47 સેકન્ડનો ટુંકસાર એટલો જ હતો કે ‘અત્યાર સુધી જે સરલા ટપાલ જેવી રેસિપી લખનારી લેખિકાનાં પુસ્તકો વેચાણમાં ટોપ-ટેનમાં રહેતાં હતાં એ જમાનો ગયો ! હવે તારો વાર્તાસંગ્રહ  ‘પથરા’ વેચાશે !’

એ સિવાય  બીજા 47 સાહિત્યકારોના ફોન પણ આવી ગયા. એમાંથી અડધા જે રિધ્ધિમાગૌરીના સિનિયરો હતા તેમના કહેવાનો સાર એટલો જ હતો કે ‘આ તો મેં જ તારું પુસ્તક રિવ્યુ માટે લેવાનું સજેશન કરેલું.’ અને બાકીના અડધા જે જુનિયરો (અર્થાત ‘ઉગતા’) હતા તેમના ફોનોનો સાર એ હતો કે ‘બહેન જોજોને, આપણું પણ કંઈ થાય તો ?’

જે હોય તે, રિધ્ધિમાગૌરીથી એક મીઠડી ભૂલ તો થઈ જ ગઈ ! તેમણે આખેઆખો રિવ્યુ પોતાના ફેસબુક પેજમાં મુકી દીધો !

પછી તો શું ? રિધ્ધિમાગૌરીમાં જેટલાં નાગર સગા-વ્હાલાં હતાં એમણે લાંબા લાંબા લલિતનિબંધો જેવડાં અભિનંદનો ઠપકારવા માંડ્યાં ! અને જે બિચાર બિન-નાગર હતા તે ? એમની ‘લાઈક’ના અસંખ્ય અંગૂઠાઓ ઉભરાયા ! અને ‘કોમેન્ટો’ તો કેવી ? ‘કોંગ્રેચ્યુલેસન હોં !’ ‘પેંડા ખવડાવો.’ ‘પાર્ટી ક્યારે આપો છો?’ ‘મારી બેબીને બી લખવાનો સોખ છે. તમે ટુસન લેવા આવસો ?’ 

એક ચાહકે ખાસ રિક્વેસ્ટ મોકલી કે ‘મેડમ, મારા બાબાએ હાલમાં જ બિન-સચિવાલય ગૌણસેવાની જોબ માટે એપ્લી. નાંખેલી છે. જો તમારી ઓરખાણથી ગાંધીનગર અકાદમીની ઓફિસમાં ગોઠવાઈ જતું હોય તો પ્લીઝ, ટ્રાય કરજો ને. તમને સરસ્વતી માતાનાં સોગંદ.’

એક અવળચંડો ક્યાંકથી ફોનમાં મંડ્યો હતો. ‘તમે નાયક જ્ઞાતિનું અપમાન કર્યું છે !’

રિધ્ધિમાગૌરી ડઘાઈ ગયાં. ‘અપમાન ? ક્યાં અપમાન કર્યું છે ?’ પેલો તંત છોડે જ નહીં, કહેવા લાગ્યો, ‘છાપામાં રીતસર લખેલું છે.. નાયક સ્વાર્થી છે, લુચ્ચો છે... નાયક કાવતરાંખોર છે... નાયકના મનમાં આંતરિક હિંસાનો અગ્નિ ભભૂકે છે… તમે જ વાંચો ને બેન, સત્તર વાર લખ્યું છે નાયક આવો છે, નાયક તેવો છે… આ અપમાન નથી તો બીજું શું છે ? અમે કેસ કરીશું બેન ! યાદ રાખજો !’

માંડ માંડ એ ઘવાયેલી લાગણીવાળાને સમજાવીને ઠંડો પાડ્યા પછી સાંજે ચારેક વાગે જ્યારે અડોશીપડોશીનો આભાર માનવા માટે ચા-પાણી રાખ્યાં હતાં ત્યાં એમણે ત્રીજી ભૂલ કરી, અભિનંદનના ફોનો સ્પીકર ઉપર રાખ્યા ! 

એમાં એક સિનિયર લેખકે ફોનમાં કહ્યું કે ‘બહેન, ‘પથરા’ બીએ ગુજરાતીમાં પાઠ્ય પુસ્તક તરીકે લેવાય એવી મેં સિફારીશ કરી દીધી છે !’

બસ, આ સાંભળતાં જ પાડોશનાં કાંતામીસીની દિકરી મનીષાની કમાન છટકી. ‘ખબરદાર આન્ટી, આવું જો કર્યું છે તો ! હું બીએના સેકન્ડ યરમાં છું. તમારા ‘પથરા’નો રિવ્યુ જ આટલો અઘરો છે તો એ ચોપડી કેટલી અઘરી હશે ? અને શું તમે એની ગાઈડ લખી આપવાના છો ?’

ખેર, આ બધું પત્યા પછી છેક પંદરમાં દિવસે લેખિકાને એક વિચાર આવ્યો. તરત જ પ્રકાશકને ફોન કરીને પૂછ્યું ‘પેલા રિવ્યુ પછી ‘પથરા’ની કેટલી નકલોની ડિમાન્ડ આવી છે?’ (આ ચોથી ભૂલ.)

પ્રકાશકનો જવાબ અઘરો નીકળ્યો. ‘બેન, નકલ તો એકેય નથી વેચાઈ પણ હમણાં જ એક ઘરાક આવીને પૂછી રહ્યો છે કે ‘પથરા’માં જે પેલી વારતા છે, એ સાડા ત્રણ પાનાંની ઝેરોક્સ કરી આપવાના કેટલા લો છો ?’

બોલો. અઘરા રિવ્યુની કેવી કેવી અસરો હોય છે !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments