સમાચારમાં વઘાર !

સમાચાર
મોદી સાહેબે ભાજપના કાર્યકરોને કહ્યું છે કે ફિલ્મો વિશે બેજવાબદાર ટીકાઓ કરવી નહીં.
વઘાર
- અને જે કરશે, તેને ‘પઠાણ’ ફિલ્મ જોવાની સજા કરવામાં આવશે !

*** 

સમાચાર
દુનિયાના સૌથી વધુ સંપત્તિવાન ફિલ્મ સ્ટારોમાં શાહરુખ ૬,૨૫૦ કરોડની સંપત્તિ સાથે ચોથા નંબરે પહોંચી ગયો છે.
વઘાર
જોયું ? છેલ્લા ચાર વરસથી ફિલ્મોમાં એક્ટિંગ કરવાને બદલે બીજા ધંધામાં ધ્યાન આપ્યું તો જ આટલો ફાયદો થયો ને ? હજી સમજી જાવ, શાહરૂખ ભાઈ !

*** 
સમાચાર
માત્ર ચાર-પાંચ વરસમાં ભારતની વસતી ચીન કરતાં પણ વધી ગઈ હશે.
વઘાર
આ એક જ ગૃહઉદ્યોગ છે જેમાં સતત ગ્રોથ જોવા મળ્યો છે. છતાં અફસોસ, રોકાણકારોને તેમાં જરાય રસ નથી !

*** 

સમાચાર
ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ ભૂલથી એક વિમાનનો ઇમરજન્સી ગેટ ખોલી નાંખ્યો હતો.
વઘાર
કદાચ એમને પોતાની લઘુશંકાનું પ્રેશર ‘ઇમરજન્સી’ જેવું લાગ્યું હશે !

*** 

સમાચાર
લગભગ 40 ટકા ઇન્ટર્નશીપ કરનારા સ્ટુડન્ટોને ડેડલાઈન પહેલાં કામ પતાવવાનો સ્ટ્રેસ રહે છે.
વઘાર
સીધી વાત છે ! કેમકે નોકરીમાં તો ગુગલમાંથી સીધું ડાઉનલોડ કરેલું કામ બતાવી શકાતું નથી ને ?

*** 

સમાચાર
ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે જોશીમઠ શહેરના મકાનોમાં તીરાડ પડવાનું કારણ પોચી પડી રહેલી જમીન છે.
વઘાર
સાવ ખોટી વાત ! તમે જુઓ, સરકારી કોન્ટ્રાક્ટરોએ બાંધેલા તમામ મકાનોમાં દસ-પંદર વરસ પછી તિરાડો પડી જ જાય છે !

*** 

સમાચાર
પાકિસ્તાનના શાહબાઝ શરીફ કહે છે કે અમે લડાઈઓ લડીને થાક્યા છીએ, હવે કાશ્મીર મુદ્દે વાતચીત થવી જોઈએ.
વઘાર
હા તો કરો ને ? તમે ‘વાતો’ કરો… અમે તમને ‘ચીત’ કરતા રહીશું !

***

- મન્નુ શેખચલ્લી

Comments