‘ઉફ્ફ તુમ્હારે યે આદર્શ… યે ઉસૂલ… ઈન કો ગોંદ કર એક વક્ત કી રોટી ભી નહીં બનાઈ જા સકતી !’ પેલા ‘દિવાર’ પિક્ચરમાં જ્યારે અમિતાભ બચ્ચનને આવો ડાયલોગ બોલતાં સાંભળેલો ત્યારે તો અમારા રુવાડાં ઊભાં થઈ ગયેલાં ! પણ બે ચાર મહિના પછી ટ્યૂબલાઈટ થયેલી કે યાર, આદર્શ અને ઉસૂલ કંઈ ઘઉંનો લોટ થોડો છે કે એને ‘ગોંદ કર’ રોટી બનાવી શકાય ?
પણ બચ્ચન સાહેબની ડાયલોગ ડિલીવરીમાં કંઈ જાદૂ હતો. એ જ ફિલ્મમાં ભગવાનના મંદિરમાં જઈને કહે છે ‘આજ… ખુશ તો બહોત હોંગે તુમ !’ ત્યારે થિયેટરમાં તાળીઓ પડતી હતી. જોકે એ વાત અલગ છે કે એ પછી જ્યારે જ્યારે કોલેજમાં એક્ઝામ આવતી ત્યારે મંદિરમાં જઈને ભગવાન સામે જોતાં મનમાં આ જ ડાયલોગ આવી જતો હતો ! 'આજ ખુશ તો બહોત હોંગે તુમ..' પરંતુ એક્ઝામના ‘હાલાત કો મદ્દેનઝર રખતે હુએ’ અમે પેલો જુનો ‘ઘીસો-પીટ્યો’ ડાયલોગ જ બોલી જ જતા હતા કે ‘ભગવાન, આજ તક મૈં ને તુમ સે કુછ નહીં માંગા, મગર આજ...'
એમ તો એ જમાનામાં રાજેશ ખન્નાનો ‘આનંદ’નો ડાયલોગ બહુ ફેમસ હતો કે ‘જહાંપનાહ ! યે દુનિયા એક રંગમંચ હૈ, ઔર હમ સબ ઇસ રંગમંચ કી કઠપૂતલીયાં હૈં… કબ, કૌન, કૈસે ઉઠેગા યે કોઈ નહીં જાનતા.. હાહાહા…’
ખન્ના સાહેબની કેરિયરમાં કદાચ આ એક જ ડાયલોગ એવો હતો જે એમણે ‘નાટકીય’ રીતે ડીલીવર કર્યો હતો. બાકી એમને દરેક ડાયલોગને જાણે કોઈ રસગુલ્લાને મીઠી ચાસણીમાં ઝબોળીને પીરસવાનું હોય એ રીતે જ બોલતા. ‘મેં ને તુમ સે કિતની બાર કહા હૈ, મુજ સે યે આંસુ દેખે નહીં જાતે પુષ્પા, આઈ હેટ ટિયર્સ !’ (અમર પ્રેમ)
આગળ જતાં એમની આ ‘મખ્ખન માર કે’ અદાનું એવું સ્વરૂપ આવ્યું કે એ કોઈ ગુન્ડાને ધમકી પણ લગભગ એવી રીતે આપતા કે ‘તુ મુઝે ક્યા મારેગા રેએએ… મૈં તો મર કે ભી તુઝે યાદ આઉંગા, મેરે મુન્ના !’
રાજકુમાર તો ડાયલોગ્સના શહેનશાહ કહેવાતા હતા. એમનો પેલો ‘વક્ત’નો ડાયલોગ ‘જિન કે ઘર શીશે કે હોતે હૈ, વો દૂસરોં કે ઘરોં પે પથ્થર નહીં ફેંકા કરતે… ’ એ વખતે થિયેટરોમાં તાળીઓ પડાવતો હતો પણ યાર, અમને સતત એમ જ વિચાર આવતો હતો કે બોસ, આખેઆખું ઘર જો કાચનું હોય તો માણસ નહાતો શી રીતે હશે ?
આ રાજકુમાર સાહેબનું પણ જતે દહાડે એવું થયેલું કે ચાને બદલે કોફી માગવા માટે પણ ડાયલોગ મારતા કે ‘હમ… મામૂલી ઇન્સાનોં કી તરહા.. ચાય નહીં પીયા કરતે… હમેં પિલાના હી હૈ… તો બ્લેક કોફી પિલા દો !’
જોકે છેલ્લે છેલ્લે ‘સૌદાગર’માં એ બહુ ચગેલા ‘હમ તુમ્હેં જરૂર મારેંગે, મગર યહાં ઔર અભી નહીં, વો વક્ત ભી હમારા હોગા, ઇલાકા ભી હમારા હોગા, બંદૂક ભી હમારી હોગી ઔર ગોલી ભી હમારી હોગી !’ સાલું, વક્ત અને ઇલાકા તો સમજ્યા પણ કોઈને મારવા માટે બંદૂક અને ગોળી કોઈ બીજાની પાસેથી લોન પેટે શા માટે માગીને લાવવાની હોય ?
પણ ડાયલોગબાજીમાં આવું બધું ચાલી જતું હતું. ‘પૈગામ’માં દિલીપકુમાર કહે છે ‘જબ કિસી ગરીબ કે ઘરમેં ચુલ્હા નહીં જલતા તબ ઉસ કે પેટ મેં આગ જલતી હૈ !’ હા બાપા હા, પણ બહુ તીખું ખાધું હોય તો એસિડીટીને કારણે પણ એવું જ થાય ને ? મરચાં ઓછાં ખાઓને ?
ડાયલોગબાજીમાં શત્રુઘ્ન સિંહા પોતાના ખિસ્સામાંથી જાતજાતનું ઉમેરીને મસાલેદાર વઘાર કરી શકતા હતા. એ ગમે તેને ‘અબે ચપડગંજુ કી ઔલાદ’ ‘અબે ફટે હુએ તાશ કે તિરપનવે પત્તે’ ‘અબે સૂવ્વર કે બચ્ચેં કી પૂંછ !’ એમ કંઈ પણ કહી નાંખતા હતા.
એની સામે બિચારા શશીકપૂરો, રાજેન્દ્રકુમારો કે ભારતભૂષણોને ખાસ વજનદાર ડાયલોગ મળતા જ નહોતા. હા, વિનોદ ખન્નાનો પેલો ડાયલોગ ખાસ ચગ્યો હતો. ‘જિસ સ્કુલ મેં તુમ પઢ રહે હો, ઉસ સ્કુલ કે હમ હેડ-માસ્ટર રહ ચૂકે હૈં !’ (હાથ કી સફાઈ) જોકે સામે રણધીર કપૂર એમ નથી પૂછતો કે ‘અચ્છા, એવું છે ? તો તમે ક્યારે રિટાયર થયેલા ? અત્યારે પેન્શનથી ઘર ચાલે છે કે ટ્યુશનથી ?’
અમુક ડાયલોગ્સ જનતાએ જાહેર હિતમાં જાણી જોઈને અમુક એક્ટરોનાં મોંમાં એવી રીતે ફીટ કરી દીધા છે કે જાણે એ લોકો દરેક ફિલ્મમાં એવું જ બોલતા હોય ! જેમકે ધર્મેન્દ્ર માંડ બે ચાર ફિલ્મોમાં ‘કૂત્તે… કમીને… મૈં તેરા ખૂન પી જાઉંગા..’ એવું બોલ્યા હશે. શક્તિ કપૂરે એક જ ફિલ્મમાં ‘આઉ લોલિતાઆ…’ કર્યું છે. અસરાનીએ એક જ ફિલ્મમાં ‘આહા ! હમ અંગરેજ કે જમાને કે જેલર હૈં !’ વાળી ચીસો પાડી છે.
અને માર્ક કરજો, ઓમ પ્રકાશે માંડ બે ચાર ફિલ્મોમાં ‘ઉં આંહાં આંહાં…’ કર્યું હશે. આ બધું ‘પ્રદાન’ ડાયલોગ રાઈટરોનું નહીં, મિમિક્રી આર્ટિસ્ટોનું છે. ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment