આપણી ઉત્તરાયણ તો પતી ગઈ પણ દુનિયાભરમાં તો બારેમાસ કાપાકાપી, લંગસિયાં અને ઝોલ લૂંટવાનું ચાલતું જ રહે છે. ઉત્તરાયણની કોમેન્ટ્રી કરતા હોઈએ એમ જો વર્લ્ડ પોલિટિક્સની વાત કરીએ તો…
***
યુક્રેનનું કોકડું તો હજી ગુંચવાયેલું જ છે. ઉપરથી રશિયા સળગતા કાકડા નાખી રહ્યું છે.
***
પાકિસ્તાનના પતંગની કમાન છટકી ગઈ છે. તે હવામાં ગોથાં ખાય છે. ઉપરથી ફિરકીમાં દોરી સાવ પતી ગઈ છે ! એટલું જ નહીં, ધાબા ઉપર તલચીકી, પતાસાં અને ખિચડા માટે લૂંટાલૂંટ મચી છે…
***
બ્રિટનની પતંગ હવામાં છાપ ખાઈને બેસી જવાની તૈયારીમાં છે. પતંગમાં બાકોરાં પડ્યા છે પરંતુ ગુંદરપટ્ટીનો સપ્લાય અટકી ગયો છે. સુનક બિચારા ઠુમકા મારે છે પણ બીજાઓ ફિરકી પકડવા પણ આવતા નથી.
***
શ્રીલંકામાં તો પવન જ પડી ગયો છે ! ચગાવનારા થાકીને છાંયડે બેસી ગયા છે. કપાયેલી દોરીઓ જ્યાં ત્યાંથી લબડી રહી છે. પણ ઝંડાવાળાઓને એમાં ય રસ નથી.
***
ઈરાનમાં પુરુષોનાં ધાબાં અને મહિલાઓનાં ધાબાં વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં છે ! આર્મીવાળા પતંગ ઉડાડવાને બદલે ગોળીઓ ઉડાડે છે.
***
ભારત અને ચીનના પેચ વારંવાર ગંઠાઈ જાય છે. છતાં કોણ કોની કાપે છે એની સાચી કોમેન્ટ્રી સાંભળવા જ મળતી નથી.
***
આ બાજુ ઇન્ડિયામાં રાહુલ ગાંધી કોંગ્રેસનું જુનું ધાબું છોડીને રોડ ઉપર દોડી દોડીને પોતાની પતંગમાં ચગાવવા મંડ્યા છે ! એમાં ભાજપવાળા લંગસિયાં નાંખે છે પણ ખાસ ફાવતા નથી.
***
… અને મોદીજીનો એકસ્ટ્રા લાર્જ પતંગ ફૂલ હવામાં છે ! અહીં ફિરકી પકડનારાઓની લાંબી લાઈન લાગી છે. એ તો ઠીક, હજી કોઈ પતંગ કપાય એ પહેલાં જ ‘કાઈપો છે… કાઈપો છે..’ના ગગનભેદી નારા લાગતા રહે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment