ઉત્તર ભારતમાં લોકો ઠંડીના કારણે મરી રહ્યા છે. આ તો સારું છે કે ગુજરાતમાં લોકો ઠંડીના કારણે એની જોક્સ ઉપર હસી શકે છે…
***
નટુકાકાએ આખરે કંટાળીને સાતમા દિવસે ઠંડા પાણીએ નાહી જ લીધું.
આ જોઈને તેની કૂવડ આળસુ પત્ની બોલી ‘આહાહા… આજે કેમ નાહ્યા ? કોઈ સગલીને મળવા જવાના હશો, એટલે જ ને !’
***
હંમેશા છાતી કાઢીને ચોતરા ઉપર બેસી રહેનારો ભૂરો છેલ્લા ત્રણ દિવસથી ડાહ્યો ડમરો બનીને બે હાથે અદબ વાળીને બેસતો દેખાયો.
કારણ ખાસ કંઈ નહોતું. ભૂરાના બાથરૂમનું ગિઝર બગડી ગયું હતું.
***
સિધ્ધાંતવાદી શિક્ષિકા સદ્ગુણાબેને સવાર સવારના એના બાર વરસના પુત્રને ગલીના નાકે મોમાંથી ધૂમાડા કાઢતો જોઈને એને ચંપલે ચંપલે ઝૂડી નાંખ્યો : ‘મૂઆ અત્યારથી બીડીઓ પીતો થઈ ગયો ?’
ફળિયાના લોકોએ વચ્ચે પડીને સમજાવ્યું ‘બેન, વાંક મોસમનો છે. હવામાં ધૂમ્મસ છે. જુઓ તમારા મોંમાંથી પણ ધૂમાડો નીકળી રહ્યો છે !’
***
ગઈકાલે રાત્રે માઈનસ બે ડીગ્રી ઠંડી હતી. બારી બારણાં કચકચાવીને બંધ કર્યાં હતા. છતાં એક મચ્છર ઘૂસી જ ગયું હતું. રાત્રે હું આખો ધાબળો માથે ઓઢીને ઊંઘી ગયો છતાં એ મચ્છર શી ખબર ક્યાંથી ધાબળામાં ઘૂસી આવ્યું. હું એને મારવા જ જતો હતો. ત્યાં કાન પાસે આવીને એ બોલ્યું :
‘લોહી નથી પીવું બોસ. થોડીવાર ધાબળામાં સૂવા દો ને ?’
***
દયાળુ રઘુકાકા શહેરની સડકો ઉપર બિચારા ફૂટપાથ ઉપર સૂતેલા ગરીબોને ધાબળા ઓઢાડી પાછા ફરી રહ્યા હતા. હજી એક ધાબળો વધ્યો હતો.
ત્યાં સોસાયટીના નાકે એક સ્ત્રીને તેમણે રીતસર ધ્રુજતી, સિસકારા બોલાવતી અને પોતાની હથેળીઓ ઘસીને ગરમી મેળવવાના વ્યર્થ પ્રયત્નો કરતી દેખાઈ.
રઘુકાકાએ તરત એને ધાબળો ઓઢાડી દીધો. પેલી સ્ત્રી છંછેડાઈ ગઈ.
‘કાકા ! હું કંઈ ગરીબ નથી ! આ તો લગ્નના રિસેપ્શનમાં જઈ રહી છું !’
***
આજનું જ્ઞાન :
નહાતાં પહેલાં માણસ સાયલન્ટ મોડમાં હોય છે.
નહાતી વખતે સ્પીકર મોડમાં આવી જાય છે
અને નહાયા પછી વાયબ્રેટ મોડમાં હોય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment