વીતેલા વરસમાં જંગલોમાં આગ લાગી, બરફનાં તોફાનો આવ્યાં, કોઈ સનકીએ આડેધડ ગોળીઓ ચલાવી, ભલભલા દેશોમાં તખ્તાપલટ થઈ ગયા… અરે, ઇંગ્લેન્ડમાં 45 જ દિવસમાં પ્રાઈમ મિનિસ્ટરે રાજીનામું આપી દીધું….
છતાં અમુક ઘટનાઓ એવી વિચિત્ર રીતે બની છે કે, આપણને મોડે મોડે ટ્યૂબલાઈટો થાય છે કે, હેં ? આવું બન્યું ? દાખલા તરીકે….
***
ચીનમાં જ્યારે કોરોના સામે ઝિરો ટોલરન્સની નિતી હેઠળ અમુક શહેરોમાં સજ્જડ લોકડાઉન હતાં ત્યારે વર્લ્ડનું મિડીયા રડારોડ કરતું હતું કે ‘અત્યાચાર થઈ રહ્યો છે… સ્વતંત્રતા છીનવાઈ રહી છે…’
પણ જેવાં નિયંત્રણ ઉઠાવી લીધાં કે તરત વર્લ્ડ મિડીયાએ હોહા મચાવવા માંડી ‘ચીનમાં કોરોના વિસ્ફોટ ! એક જ દિવસમં એક લાખ કેસ ! હોસ્પિટલોમાં જગ્યા નથી…’ બોલો.
***
ભારતમાં ગૌવંશ હત્યા સામે કાનૂની પગલાં લેવાય, બીફના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાય નો સતત કકળાટ ચાલતો હતો કે ‘લોકોની અંગત પસંદગી ઉપર અંકુશ મુકાઈ રહ્યો છે…’ વગરે
પણ જ્યારે કતારમાં ફિફા વર્લ્ડ-કપ યોજાયો ત્યારે ત્યાં જાહેરમાં બિયર-શરાબ ઉપર બાન હતો, પુરુષો અને સ્ત્રીઓને ટુંકા વસ્ત્રો પહેરવા ઉપર બાન હતો, સ્ટેડિયમોમાં વધારે પડતી ચીચીયારીઓ અને મારામારી સામે કડક પગલાં જાહેર થયેલાં…
ત્યારે આખી દુનિયામાં કોઈ ‘ફ્રીડમ પ્રેમી’ને જરાય તકલીફ પડી નહીં ! બોલો.
***
જોવાની વાત તો એ થઈ કે ભારતમાં હિજાબ પહેરવાના સપોર્ટમાં બુદ્ધિજીવીઓ ઝૂંબેશ ચલાવતા રહ્યા… અને ઇરાનમાં હજારો મહિલાઓએ હિજાબ નહીં પહેરવા માટે જોરદાર ઝુંબેશ ચલાવી ! ત્યારે આ બુદ્ધિજીવીઓને સમજ ના પડી કે શું કરવું ?
***
જોવાની વાત એ પણ થઈ કે ભારતમાં કોરોના મહામારી પછી સળંગ પોણા બે વરસ લગી 80 કરોડ ગરીબોને મફતમાં અનાજ અપાતું રહ્યું, અરે, શ્રીલંકાને પણ હજારો ટન ઘઉં મોકલીને મદદ કરી…
- છતાં ‘હંગર ઇન્ડેક્સ’ (ભૂખમરાનો ક્રમ)માં ભારત શ્રીલંકા કરતાં પાછળ આવ્યું !
(આ તો અમારા જેવા બુદ્ધુજીવીને પણ ના સમજાયું.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment