આજકાલ વર્લ્ડ-કપ ફૂટબોલની જે મેચો આવી રહી છે તે જોતાં આપણે જ થાકી જઈએ છીએ કે ભૈશાબ… 22 જણા બે અઢી કલાક સુધી આટઆટલું મથે છે છતાં ગોલ તો માંડ બે કે ત્રણ જ થાય છે !
એમાંય જો ઇકવલ ગોલ થાય તો છેવટે બિચારા ગોલકીપરને માથે જ આખો ઓળિયો ધોળિયો આવીને પડે !
આના કરતાં જો ફૂટબોલની રમત આપણા 'ક્રિકેટની સ્ટાઈલમાં' રમાડતા હોત તો ?...
***
સૌથી પહેલાં તો ફીલ્ડ-રિસ્ટ્રીક્શન આવી જાય ! ગેમની શરૂઆતની વીસ મિનિટ અને છેલ્લી વીસ મિનિટમાં અડધો અડધ પ્લેયરોએ મેદાનની બહાર જ બેસી રહેવું પડશે !
(તો જ ગોલ થાય ને ?)
***
દર દસ મિનિટે ગોલ-કીપર બદલાશે ! યસ… જે રીતે ક્રિકેટમાં એક બોલર 4થી વધુ (કે 10થી વધારે) ઓવર નાંખી શકતો નથી એ રીતે અહી એક ગોલ-કીપર દસ મિનિટથી વધારે કીપિંગ નહીં કરી શકે !
(તો જ ગોલ થાય ને ?)
***
ગોલ-કીપરના પગમાં બોલ વાગશે તો પણ ગોલ ગણાશે ! હાસ્તો વળી… જેમ લેગ બિફોર વિકેટનો નિયમ છે એ જ રીતે લેગ બિફોર ગોલ (LBG)નો નિયમ રાખવામાં આવશે !
(તો જ ગોલ થાય ને?)
***
સ્હેજ પણ ‘ફાઉલ’ થાય કે તરત ‘પેનલ્ટી કીક’ આપવામાં આવશે ! .... બિલકુલ એ રીતે કે જ્યારે ક્રિકેટમાં નો-બોલ નાંખ્યા પછી ‘ફ્રી-હિટ’ મળે છે !
(તો જ ગોલ થાય ને ?)
***
ગોલ-પોસ્ટના થાંભલાને બોલ ટકરાય તો પણ ગોલ ગણાશે ! જે રીતે ક્રિકેટમાં સ્ટંપલાંને બોલ અડે કે તરત લાઈટો થાય છે ને ? એ જ રીતે !
(તો જ ગોલ થાય ને?)
***
અને ફૂટબોલની મેચમાં પણ ‘ઓવર’ હશે ! એક આક્રમણમાં માત્ર છ જ કીકો મારી શકશે… પછી બ્રેક પડશે !
(તો જ પેલા રિટાયર થયેલા અને માંડ બબ્બે મેચ રમેલા ‘એક્સપર્ટો’ દરેક કીકનો ‘રિપ્લે’ બતાડી બતાડીને એની ‘કોમેન્ટ્રી’ કરવાના લાખો રૂપિયા લઈ શકે ને ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment