નવી સુપરસ્ટાર ભટ્ટ !

આજની યંગ જનરેશન માટે મચ્છુ, મતદાન કે મોદી મહત્વના ન્યુઝમાં છે જ નહીં ! એમના માટે બે જ મોટા ન્યુઝ છે…

એક, આલિયા ભટ્ટને બેબી આવી છે !
અને બે, એ બેબીનું નામ શું પાડશે ?

આ હિસાબે યંગ જનરેશનના મોબાઈલમાં ટોપિક્સ પણ કંઈક આવા જ ચાલી રહ્યા છે…

*** 

એક ન્યુમરોલોજિસ્ટે કહ્યું છે કે બેબી તો સુપરસ્ટાર બનવાની છે… તો એના નામનો સ્પેલિંગ ALMA હશે ?  ALMAA હશે ? ALLMAA હશે ? કે ALMMAA ?

*** 

સાંભળ્યું છે કે કરણ જોહેરે તો અલમા ભટ્ટને સાઈન કરીને નવી ફિલ્મ પણ એનાઉન્સ કરી દીધી છે !

*** 

અરે, એ ફિલ્મના ડાયલોગ્સ પણ લખાઈ રહ્યા છે : અલમા ગુસ્સામાં આવીને કહે છે ‘એંએંએ… ઉંઉંઉં…’ અને રોમેન્ટિક થઈને બોલે છે : ‘એંએંએં… ઉંઉંઉં…!’

*** 

ઝી મ્યુઝિક કંપનીએ તો અલમાએ ગાયેલા નવા ગાયનના આલ્બમો લોન્ચ કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે ! પહેલું ગાયન છે : ‘એંએંએં… ઉંઉંઉં…!’

*** 

યશ રાજ ફિલ્મ્સ પણ પાછળ નથી. એમણે કરીના કપૂરના દિકરા તૈમૂરની બાયોપિક બનાવવા માંડી છે… જેમાં તૈમૂરનાં ‘બાળપણ’નો રોલ અલમા કરશે ! (કેમ ? સંજય દત્ત હોવા છતાં રણબીરે એનો રોલ કર્યો જ હતો ને ?)

*** 

અલમાનું નામ ફાઈનલ થાય એટલી જ વાર છે ! પછી તરત જ ટ્વિટર ઉપર તેનો બ્લુ-ટિક વેરિફાઈડ એકાઉન્ટ ખૂલી જશે ! દેશનાં કરોડો ભૂલકાઓ એના ‘ફોલોઅર્સ’ બનવાની રાહ જોઈ રહ્યા છે !

*** 

અલમા ‘ઇન્ફ્લુએન્સર’ બની જાય એટલી જ વાર છે ! એ પછી તે ડાઈપર્સ, બેબી ફૂડ, બેબી જ્વેલરીથી લઈને હલ્દીરામની મીઠાઈ અને હલીમ્સ ચિકન બિરિયાની સુધીનાં પ્રોડક્ટ એન્ડ્રોસમેન્ટ માટે લાખો રૂપિયા લેતી થઈ જશે !

*** 

અને હા, દેશના હજારો બુધ્ધિજીવીઓ રાહ જોઈ રહ્યા છે કે અલમા ભટ્ટ ભારતની બગડતી જતી હ્યુમન રાઈટ્સની સ્થિતિ વિશે ક્યારે એક ટીકાત્મક ટ્વીટ કરશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments