પતિ પત્નીના ઝગડા... !

પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝગડા શા માટે થાય છે ? આનાં કારણો ભલભલા ડોક્ટરો કે વૈજ્ઞાનિકો આપી શકતા નથી (ભલે પોતે પરણેલા હોય, તો પણ !)

છતાં તમે જુઓ, કેવી મામૂલી વાતોમાં પતિ-પત્નીના ઝગડા શરૂ થઈ જતા હોય છે…

*** 

પત્ની : (કિચનમાંથી) ડિયર, ટીવી પર શું છે ?
પતિ : ધૂળ… કચરો…

(અને ઝગડો શરૂ !)

*** 

પત્ની : ડિયર, મારી બર્થ-ડે ઉપર તું મારા માટે એવી કોઈ સરસ મજાની ચળકતી ચીજ લાવજે, જે દસ જ સેકન્ડમાં ઝીરોથી 100 સુધી પહોંચી જાય….
પતિ જન્મદિવસે વજન કરવાનો કાંટો લઈ આવ્યો !

(અને ઝગડો શરૂ !)

*** 

પત્ની : જો ને ડિયર, મારી હેલ્થને શું થયું છે ? કંઈ સમજાતું જ નથી. મેં બ્લડ-રીપોર્ટ કરાવ્યો, યુરીન-રિપોર્ટ કરાવ્યો,, થાઈરોઈડ-રીપોર્ટ કરાવ્યો, હાર્ટ-રિપોર્ટ કરાવ્યો, બોન-મેરો રિપોર્ટ કરાવ્યો… કશું પકડાતું જ નથી !
પતિ : એક વાર પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ કરાવી જો !

(અને ઝગડો શરૂ !)

*** 

પત્ની : (અરીસામાં જોતાં) ડિયર, તને નથી લાગતું કે હું જરાક વધારે જાડી લાગું છું. મારું ફીગર જરાક વધારે બેડોળ થતું જાય છે, મારો ફેસ જરાક વધારે ફોફરાયેલો લાગે છે, મારી સ્કીન જરા વધારે ઝાંખી થતી જાય છે ?
પતિ : ડાર્લિંગ, એમાં હું શું કરી શકું ?
પત્ની : મને કમ સે કમ એક સારી કોમ્પ્લીમેન્ટ તો આપ ?
પતિ : યસ ! તારી નજર હજી એકદમ પરફેક્ટ છે !

(અને ઝગડો શરૂ !)

*** 

પતિ : આજે આપણે બહાર ખાવાનું ખાઈએ તો કેવું ?
પત્ની : વાહ ! હું ફટાફટ તૈયાર થઈ જાઉં છું !
પતિ : સારું, ત્યાં સુધીમાં હું બહાર ઓટલા ઉપર સાદડી-શેતરંજી પાથરું છું !

(… અને ઝગડો શરૂ !)

***

- મન્નુ શેખચલ્લી

Comments