રાવણ ઇન્ડિયામાં ફરવા આવેલો. એને થયું કે બોસ, જરા ‘કુલ’ દેખાવું હોય તો હાથમાં મોબાઈલ હોવો જોઈએ. એ મોબાઈલ શોપમાં ગયો.
શોપવાળાએ કીધું ‘કેટલા મોબાઈલ લેવાના છે ?’
રાવણે કહ્યું ‘દસ તો જોઈશે ને ? એક માથા માટે એક.’
શોપવાળાએ કીધું ‘બાર લઈ લો, ડઝન ઉપર સ્કીમ સારી છે. વધારાના મોબાઈલ ગર્લફ્રેન્ડોને આપજો.’
રાવણ કહે ‘મારી મંદોદરી જોઈ છે ? ગર્લફ્રેન્ડનું તો નામ જ ના લેતો.’
છતાં રાવણને બાર મોબાઈલનો આઈડિયા ગમી ગયો.
શોપવાળાએ સેલ્સમેનશીપ ચાલુ કરી. ‘સાહેબ, તમે બાર સીમકાર્ડ લઈ લો. તમને ડેટા-પેકમાં ફેમિલી પેકજ, ગ્રુપ પેકેજ, ઓફિસ પેકેજ વગેરેમાં સારું પડશે. ઝુમ મિટિંગો પણ સસ્તી પડશે.’
રાવણ કહે ‘દસે દસ માથાં તો અહીં જ છે. ઝુમ મિટિંગની જરૂર ક્યાં છે ?’
છેવટે ભાવતાલ પછી શોપવાળાએ કીધું ‘ઓકે. આધારકાર્ડ લાવો.’
રાવણ ચમક્યો. ‘શેનું આધારકાર્ડ ?’
શોપવાળો કહે ‘આધારકાર્ડ વિના ફોન ના મળે. રુલ્સ ખબર નથી ?’ રાવણ કહે ‘મારી જોડે તો આધારકાર્ડ નથી.’
શોપવાળો બગડ્યો. ‘બોસ, ક્યાંક તમે કાગઝ-નહીં-દિખાયેંગે-વાળા તો નથી ને ?’
રાવણ કંઈ સમજ્યો નહીં પણ આધારકાર્ડ વિના આત્મનિર્ભર થઈ શકાય એવું હતું જ નહીં એટલે એ આધારકાર્ડની ઓફિસે ગયો.
આધારકાર્ડવાળાએ કીધું. ‘એક ફોટામાં દસ માથાં ના આવે. બાકીના નવ કપાવીને આવો. નહિતર ફોટામાં કટ કરવા પડશે.’
રાવણની છટકી. ‘અલ્યા, મારે દસ આધારકાર્ડ બનાવવાનાં છે.’
પેલાએ કહ્યું ‘ચલો, નામો લખાવો.’
રાવણે ‘દશાનન, લંકાપતિ, લંકેશ, રાવણાસૂર, ઇલાવેંધાર...' વગેરે નામો લખાવી દીધાં.
પછી પેલો કહે ‘એડ્રેસ બોલો’ રાવણે જેવું શ્રીલંકાનું સરાનામું લખાવ્યું કે તરત કાર્ડવાળો ભડક્યો. ‘બોસ, ઘૂસણખોરોનાં આધારકાર્ડ બનાવવાનો ધંધો અમે નથી કરતા !’
રાવણ અકળાયો. ‘હું ક્યારથી ઘૂસણખોર થઈ ગયો ? અરે તમે લોકો જ દર વરસે મારા XXXXL સાઈઝનાં પૂતળાં બનાવીને તમારા દેશમાં ઊભાં કરો છો ને ?’
આધારકાર્ડવાળો કહે ‘એમાં મને કંઈ સમજ ના પડે. આમાં તમારે પાસપોર્ટ ઓફિસે જવું પડે.’
રાવણ કહે ‘ચલો, હું ત્યાં જઈશ, પણ તમે બાકીનો પ્રોસિજર તો કરો ? મારી ફિંગરપ્રીન્ટો લઈ લો ?’
પેલો કહે ‘બોસ, એમાં પણ લોચો છે. તમને કાર્ડ દસ જોઈએ છે તો હાથ વીસ હોવા જોઈએ ને ? અહીં તો દસ જ હાથ છે, બોસ ! પછી તમારે એવું કરવું પડે કે ‘વિકલાંગ’નું સર્ટિફિકેટ લાવવું પડે !’
બિચારા રાવણનું માથું ભમવા લાગ્યું. સોરી સોરી, એનાં દસે-દસ માથા ભમવા લાગ્યાં !
છતાં એ પાસપોર્ટ ઓફિસે ગયો. ત્યાં ઓફિસની બહાર જ એક ચાલુ ટાઈપનો એજન્ટ મળી ગયો. એણે કહ્યું ‘બોસ, શ્રીલંકાનું છોડો, તમે બાંગ્લાદેશનું એડ્રેસ ચલાવો. આપડી કને બે ચાર કોર્પોરેટરો અને ધારાસભ્યોની લિન્ક છે. તમને ડાયરેક્ટ મતદાર કાર્ડ જ મલી જસે. પછી આ વિઝા-ફિઝાની બબાલ જ નહીં રહે.’
જોકે રાવણને બાંગ્લાદેશી બની જવાનો આઇડિયા જરાય ના ગમ્યો. એનું સ્વદેશાભિમાન હજી બરકરાર હતું. એણે કહ્યું ‘ના ભાઈ, મારે આમાં નથી પડવું. શ્રીલંકા તો શ્રીલંકા જ રહેશે.’
એજન્ટ કહે ‘સમજી ગયો. શ્રીલંકામાં 150 રૂપિયે કિલો ચોખા મળે છે અને અહીં રેશનની દુકાનમાં 3 રૂપિયામાં મળે છે એટલે જ અહીં ઘૂસવું છે ને ?’
રાવણના અહંકારને હવે ઠેસ પહોંચી ગઈ ! પોતાના દસે દસ મોંઢા વડે હિન્દી ફિલ્મના વિલનની માફક ‘હા… હા… હા…’ કરીને અટ્ટહાસ્યો કરતાં એણે પોતાની ડંફાશ મારી. ‘હે મુર્ખ માનવ ! મારો નોર્મલ ખોરાક જ 100 ભૂખ્યાઓને ડેઈલી રેશન જેટલો છે ! હું ધારું તો તને અહીં કાચો ને કાચો ખાઈ જઈ શકું છું ! પણ છોડ હવે…’
રાવણ હવે હતાશ થઈ ગયો હતો. આ દેશમાં માત્ર દસ મોબાઈલ અને અગિયાર સીમ-કાર્ડ માટે આટલી બધી જફા ? બિચારો રાવણ ઉદાસ, હતાશ, નિરાશ અને દેવદાસ બનીને ફૂટપાથની ધાર ઉપર બેસીને દસ માથાંની વીસ આંખમાંથી ચાળીસ-ચાળીસ આંસુ ટકપાવીને રડવાની તૈયારીમાં જ હતો ત્યાં કોઈકે આવીને કહ્યું:
‘અરે, રાવણ ? તમે તો અમારા ગામના જમાઈ છો !’
(ખાસ નોંધ : ભારતમાં બે ચાર સ્થળો એવાં છે જ્યાં રાવણને જે તે ગામનો જમાઈ માનવામાં આવે છે. આ હકીકતને બાંગ્લાદેશીઓ સાથે કોઈ લેવાદેવા નથી.)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
એવોર્ડ વિનીંગ દશેરા આર્ટિકલ!
ReplyDelete🌟🌟😇😇👌👌🙏
Thank you Navneet Bhai !!
DeleteFinally jamai ne aadhar card nahi male n e ghusankhor j ganase ne🤣
ReplyDeleteShi khabar !!! 🙄🙄😢😢😢
ReplyDelete