ઘરડા હોવાના ફાયદા !

લોકો ભલે કહેતા કે ‘સાઠે બુધ્ધિ નાઠી’… પણ સાવ એવું નથી ! સિકસ્ટી પ્લસ હોવાના ઘણા ફાયદા છે ! જુઓ… 

*** 

એક તો, તમે જિંદગીમાં કોઈ મોટી ધાડ ના મારી હોય છતાં યંગસ્ટરો તમને પગે પડે છે !

*** 

બીજું, તમે કોઈ પીએચડી ના કરી હોય, કોઈને ઊઠાં પણ ના ભણાવ્યાં હોય, છતાં આજકાલના જુવાનિયા તમને ‘સર’ કહે છે ! (તમારે એમ સમજવાનું કે આ અંગ્રેજોએ આપેલો ઇલ્કાબ છે.)

*** 

બસમાં, ટ્રેનમાં કે કોઈપણ ભીડ ભરેલા ફંકશનમાં તમે જરીક ખોં ખોં… કરીને ઢીલા થઈ જવાનો દેખાવ કરો કે તરત જ બેસવા માટે સીટ મળી જાય છે !

*** 

સામેવાળી વ્યક્તિ તમને બોર કરતી હોય તો વારેઘડીએ કાન ઉપર હથેળી રાખીને ‘હેં… ? હેં…?’ કર્યા કરો તો પેલો એની મેળે ચૂપ થઈ જાય છે !

*** 

જીવન વીમાની પોલીસી, મેડિક્લેઈમ… આ બધાનું હવે સાચું ‘રિટર્ન’ મળવા લાગે છે !

*** 

તમે જે કંઈ નવી ખરીદી કરશો એ હવે તૂટી જાય, ઘસાઈ જાય કે ફાટી જાય એની ચિંતા જ ના રહી ! સમજો ને, ‘લાઈફ-ટાઈમ’ ગેરંટી છે !

*** 

તમે ભલે વહુ કે દિકરાએ ઘર શી રીતે ચલાવવું એની શીખામણો ના આપી શકો, પણ મોદીએ દેશ કેવી રીતે ચલાવવો જોઈએ એની સલાહ છડેચોક આપી શકો છો !

*** 

હવામાન ખાતુ આગાહી કરે એ પહેલાં જ તમારા શરીરના દુઃખતા સાંધા આગાહી કરી શકે છે !

*** 

અને શાકભાજી લાવવી કે છોકરાં રમાડવા જેવા ફાલતુ કામો સિવાય કોઈ જવાબદારીનું કામ તમને સોંપાતું જ નથી ! બોલો, કેટલી શાંતિ !

***

- મન્નુ શેખચલ્લી

Comments