જુઓને, દુનિયામાં કેવા કેવા મોબાઈલો છે અને કેવા કેવા લોકો છે !...
***
અમુક લોકો મોબાઈલમાં એવાં એવાં ખતરનાક પેટર્ન-લોક રાખે છે કે જાણે અંદર PFI અને CBIની ગુપ્ત ફાઈલો સંતાડીને રાખી હોય !
***
અને અમુક બહેનો મોબાઈલ ખોલવા માટે પોતાનું ‘ફેસ-રેકગ્નિશન’ રાખે છે… એમનો ફોન સવારે ઊઠીને મોં ધોયા પછી મેકપ કર્યા વિના ખુલતો જ નથી હોતો !
***
અમુક કોલેજિયનોના નેવું ટકા પોકેટમની એમની ગર્લફ્રેન્ડોના મોબાઈલમાં બેલેન્સ કરાવવામાં જ પતી જાય છે !
***
તો અમુક છોકરીઓ બે ડઝન બોયફ્રેન્ડો જ એટલા માટે રાખે છે કે મોબાઈલમાં કદી બેલેન્સ ખૂટે જ નહીં !
***
અમુક લોકો ફોનમાં સતત ચોંટેલા રહેવા માટે જ્યાં જાય ત્યાં ખિસ્સામાં ચાર્જર લઈને ફરતા હોય છે !
***
જ્યારે અમુક લોકોની બેટરી માંડ બે ટકા બચી હોય છે ત્યારે પોતાના ઘર તરફ એવી રીતે દોડે છે કે જાણે પોતાના સગા ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવા માટે દોડી રહ્યા હોય :
‘તુઝે કુછ નહીં હોગા ભાઈ… આંખેં બંધ મત કરના… મૈં તુમ્હે બચા લુંગા.. ભાઆઆઈ !’
***
અમુક લોકોના ફોનની રીંગ આખો દિવસ અને રાતમાં વાગતી જ રહે છે… એવા લોકોના ફોનમાં જો અડધો કલાક માટે રીંગ ના વાગે તો એ લોકો વારંવાર ફોન ચેક કરવા લાગે છે કે કંઈ બગડી તો નથી ગયું ને ?
***
અને અમુક લોકોના ફોનમાં દિવસો સુધી ન તો રીંગ વાગે છે કે, ન તો કોઈ મેસેજ આવે છે ! આવા લોકો પોતાની સાથે મોબાઈલ શા માટે રાખતા હશે ? ખુદ ભગવાનને ખબર હોતી નથી !
***
અને હા, અમુક લોકો પોતાની સાથે મોબાઈલ રાખતા જ નથી ! આ લોકો દુનિયામાં શી રીતે જીવી શકે છે ? એ પણ ખુદ ભગવાનને ખબર નથી ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment