અમુક ફેક ન્યુઝ એવા હોય છે જે સાચા હોય કે ખોટા, એને વાંચવાની મઝા જ પડતી હોય છે ! જુઓ થોડા નમૂના…
***
ઇમરાન ખાન અયોધ્યા આવશે
પોતાના કાર્યકાળ દરમ્યાન જેણે અવારનવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા છે તેવા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાને એક અંગત મુલાકાત દરમ્યાન ભારતમાં પ્રવાસ કરવા માટે આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે ભાવુક થતાં કહ્યું હતું કે મારી ધરપકડ થઈ જાય અને મને જિંદગીભર જેલમાં સડવું પડે એ પહેલાં મારી તીવ્ર ઇચ્છા છે કે હું એકવાર ભારત આવું, અને મોદી સાહેબને અંગત રીતે મળું. પછી ભલે આ મુલાકાત અયોધ્યામાં કેમ ના યોજાય !
***
2000ની નોટ પર વાજપેયીજી
જો RBIના આંતરિક સુત્રોનું માનીએ તો હવે લગભગ એ નિર્ણય લેવાઈ ચૂક્યો છે કે નવી 2000ની નોટો છપાશે ત્યારે તેની ઉપર ગાંધીજીના બદલે શ્રી અટલ બિહારી વાજપેયીજીની તસવીર હશે.
RBIનું એવું પણ આયોજન છે કે આ નોટોના લોકાર્પણ વિધિ વખતે આશરે 1000 ‘ફર્સ્ટ એડિશન’ નોટો એવી હશે જેની ‘કલેક્ટર્સ આઈટમ’ તરીકે હરાજી થશે. આ વખતે 2000ની એક નોટની બેઝ પ્રાઈઝ બે લાખ રૂપિયા રહેશે.
હરાજી વડે જે રકમ ઊભી થશે તેમાંથી નવા પાર્લિયામેન્ટ હાઉસની સામે વાજપેયીજીનું ભવ્ય પૂતળું બનાવવામાં આવશે. જેનું અનાવરણ હરાજીમાં સૌથી મોટી કોઈ બોલી લગાવનાર કોઈ અબજપતિના હાથે થશે.
***
હિમાલયમાં સોનાના ભંડાર
NASAના ઉપગ્રહે શોધી કાઢેલી એક અતિશય ગુપ્ત માહિતી લીક થઈ ગઈ છે. ઉપગ્રહના રડારમાં જાણવા મળ્યું છે કે હિમાલયના પહાડોમાં હજારો ટન સોનું છૂપાયેલું છે. જ્યારે હિમાલયમાં મોટો ધરતીકંપ થશે ત્યારે પહાડો ચીરીને એ સોનું ભારતમાં ઢસડાઈ આવશે. બસ, એ પછી ભારત વિષ્વગુરુ બની જશે. બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment