જાતજાતનાં વોટ્સએપ સ્ટેટસ !

તમે માર્ક કરજો, જે લોકો વોટ્સએપ ખાસ યુઝ કરતા જ નથી એમનાં સૌનાં વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું હોય છે : ‘હેય ધેર ! આઈ એમ યુઝિંગ વોટ્સએપ !’ બોલો.
એ સિવાય પણ લોકો જાતજાતનાં સ્ટેટસ રાખે છે…

*** 

એક ભાઈનું સ્ટેટસ છે… ‘Typing…’
પણ છેલ્લા છ મહિનાથી એમનો એક પણ મેસેજ આવ્યો નથી !

*** 

બીજા એક ભાઈનું છેલ્લા બે વરસથી સ્ટેટસ છે… ‘Driving…’
મને નવાઈ લાગે છે કે એ પોતાનું નહાવા ધોવાનું અને ‘બીજું બધું’ ક્યાં અને ક્યારે પતાવતા હશે ?

*** 

એક મિત્રએ પોતાના સ્ટેટસમાં લખ્યું છે : ‘No Politics, Please !’
જરા ધ્યાનથી જોયું તો એમણે એમના DPમાં ‘ઝાડૂ’નો સિમ્બોલ મૂકી રાખ્યો છે !

*** 

એક બહેને પોતાના સ્ટેટસમાં લખી રાખ્યું છે : ‘Busy…’
પણ જ્યારે જુઓ ત્યારે એ બહેન ‘Online’ અને ‘typing’ જ હોય છે ! લાગે છે કે એમાં જ ‘બિઝી’ છે !

*** 

એક ભાઈના સ્ટેટસમાં લખેલું હતું : ‘Available…’
તપાસ કરતાં ખબર પડી કે ભાઈ પંચાવન વરસના છે અને હજી વાંઢા છે !

*** 

બીજા એક યુવાનના સ્ટેસમાં હતું ‘Happy…’
એમાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ 32 વરસના થઈ ગયા છે પણ હજી કુંવારા છે !

*** 

અને વધુ એક ભાઈ દેખાયા જેનું સ્ટેટસ હતું : ‘Can’t talk, Whatsapp only…’
સીધી વાત છે. એ ભાઈ પરણેલા છે !

*** 

એક ભાઈનું જોરદાર સ્ટેટસ છે : ‘શેર કભી ઘાસ નહીં ખાતે…’
એ ભાઈને મેં કાલે જ શાકમારકેટમાં ભીંડાનો ભાવતાલ કરતા જોયા હતા !

*** 

એક બહેનનું સ્ટેટસ પણ મસ્ત છે : ‘પરી હું મૈં…’
પણ શી ખબર, એમના DPમાં કેમ કદી કોઈ ફોટો હોતો જ નથી !?

***

- મન્નુ શેખચલ્લી

Comments