પરગ્રહવાસીઓ, ટ્વિન ટાવરો, વીજળી અને કેજરીવાલ !

સાયન્સ ફિક્શન ટાઈપની જે હોલીવૂડની ફિલ્મો હોય છે એમાં અમુક તો એવી હોય છે જેમાં વિચિત્ર ટાઈપના પરગ્રહવાસીઓ ધરતી ઉપર હૂમલો કરવા માટે આવી ચડે છે !

અમને હજી સુધી એ નથી સમજાતું કે બોસ, એ પરગ્રહવાસીઓને હૂમલો કરવા માટે અમેરિકા જ કેમ હાથે ચડે છે ? ટોપાઓ, થોડી તો રિસર્ચ કરીને આવો ? એ ધોળિયાઓ પાસે એટમ બોમ્બ છે, પરમાણુ બોમ્બ છે, જાતભાતનાં મિસાઈલો છે (અને સત્તર જાતની સ્પેશીયલ ઇફેક્ટો પણ કરતાં આવડે છે !) 

એના કરતાં તમે આફ્રિકાનાં ઇથોપિયા, નાઈજીરીયા કે ઝિમ્બાબ્વે જેવા દેશમાં શા માટે ઘૂસ નથી મારતા ? અને તમારે પૃથ્વીના માનવીઓને એવોઈડ કર્યા વિના ચૂપચાપપ એન્ટ્રી લઈ લેવી હોય તો બોસ રશિયામાં જાઓ ને ? ત્યાં સાઈબેરિયાનું રણ એટલું મોટુ છે કે માઈલોના માઈલો લગી કોઈ માણસો જ નથી !

પણ ના ! એ અક્કલના ઓથમીરોને તો બસ, ડાયરેક્ટ ન્યુયોર્કના ટ્વીન ટાવરો ઉપર જ હૂમલો કરવો છે ! જોકે 9/11નો રિયલ હૂમલો પછી જોયા પછી એ પરગ્રહવાસીઓને અક્કલ આવી હશે કે અમેરિકાના એ ટ્વીન ટાવર્સને તોડી પાડવા માટે મોટી મોટી, હાઈ-ફાઈ ટાઈપની ઉડતી રકાબીઓની કંઈ જરૂર જ નથી ! એ કામ તો બે પેસેન્જર વિમાનો વડે પણ થઈ શકતું હતું !

 જોવાની વાત એ પણ છે કે 2001 પહેલાં આપણા જેવા પ્રેક્ષકો પણ મોટી મોટી ઉડતી રકાબીવાળી ફિલ્મો જોઈને કેવા ઉલ્લુ બનતા રહ્યા હતા ?

આ પરગ્રહવાસીઓ ઇન્ડિયામાં કેમ નહોતા આવતા એ પણ આપણને મોડે મોડે સમજાયું. PK ફિલ્મમાં એક કપડાં પહેર્યા વિનાનો પરગ્રહવાસી ભારતમાં આવી ચડ્યો હતો. એ બિચારો ધર્મોની ઝંઝટમાં એવો ફસાયો કે એની 250 કરોડની બીજી એક ફિલ્મની તો ટોટલ વાટ લાગી ગઈ ! 

એ જ ફિલ્મના એન્ડમાં એક ભાઈ કપડાં પહેર્યા વિના આવ્યા તો ખરા, પણ પછી એમણે કપડાં પહેરવાનું ચાલુ રાખ્યું, અને બીજા એક ભાઈ, જેનું નામ પેલા ભાઈને જરીક મળતું આવે એવું હતું, એ કપડાં ઉતારીને ફોટા પડાવવા ગયા, એમાં તો વિવાદોમાં સપડાઈ ગયા ! ટુંકમાં, પરગ્રહવાસીઓ ઇન્ડિયામાં તો હવે નહીં જ આવે !

આવા પરગ્રહવાસીઓની બીજી એક સિરીઝ આવતી હતી STAR WARS. એમાં પણ બોસ, અમને ઘણા સવાલો છે. દાખલા તરીકે એમાં પૃથ્વીના માણસો સિવાય કૂતરાં, બિલાડાં, રીંછ, ભૂંડ, છછૂંદર અને ચામાચિડીયા જેવાં અનેક પરગ્રહવાસીઓને બતાડ્યા છે પણ એ બધા એકબીજાની ભાષા શી રીતે સમજી લે છે ? અહીં ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં આપણને તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમમાં કશી ટપ્પી પડતી નથી, તો તેમને આખા બ્રહ્માંડની ભાષાઓ શી રીતે સમજાતી હશે ? 

વળી એમાં બીજી મોટી ધૂપ્પલ એ છે કે પૃથ્વીના જે માનવીઓ છે એમાં બિચારો એકાદ જણ કાળો છે, એ સિવાય કોઈ ચીના, કોઈ ઇન્ડિયન કે કોઈ ‘લઘુમતીવાળા’ પણ કેમ નથી દેખાડ્યા ? આ બાબતે લઘુમતીની ‘લાગણીઓ’ પણ કેમ નથી દૂભાઈ, હજી સુધી? 

‘સ્ટાર વોર્સ’માં બીજી ફની વાત એ હતી કે હિરો અને વિલન જ્યારે સામસામે લડે છે  ત્યારે હાથમાં ‘ટ્યુબલાઈટો’ હોય છે !

ચાલો, આપણે માની લઈએ કે હિરો પૃથ્વી ઉપરથી આવે છે અને અહીં હજી આખી પૃથ્વી ઉપર કેજરીવાલનું રાજ નથી આવ્યું એટલે વીજળી એટલી સસ્તી નથી… એટલે જ બિચારો હીરો મામુલી ટ્યુબલાઈટના હથિયારથી લડે છે. પણ પેલા કાળા લોખંડી બખ્તર પહેરેલા વિલન પાસે તો આખેઆખા પાવરહાઉસો છે ! એ ડફોળ શા માટે એક જ ટ્યૂબલાઈટ લઈને હાલી નીકળ્યો છે ? વીજળીની ‘બચત’ કરવા ?

આ તો સારું થયું કે એ પછી ‘એવેન્જર્સ’ વખતે વીજળીનું રેકોર્ડ-બ્રેક ઉત્પાદન થવા લાગ્યું એટલે બધા હીરો અને વિલનો સામસામે લડે ત્યારે આખેઆખા દેશનો પાવર વપરાઈ જાય એવા કડાકા અને ભડાકા કરીને રોલા પાડે છે કે ‘જુઓ, અમારી કને વીજળી તો જોઈએ એટલી છે ! બસ, અમારે વીજળીનાં બિલો ઘટાડવાં નથી !'

સાંભળ્યું છે કે ‘બ્રહ્માસ્ત્ર’માં પણ મારામારી વખતે એટલી બધી વીજળી વપરાઈ ગઈ હતી કે ફિલ્મનું બજેટ 400 કરોડ થઈ ગયું છે ! બોલો, કરણ જોહરે કેજરીવાલનો કોન્ટેક્ટ કર્યો હોત તો કેટલા બધા પૈસા બચી જાત ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments