સંસદમાં 'અબોલ' સાંસદો!

સંસદનું ચોમાસુ સત્ર તો ક્યારનું પુરું થઈ ગયું પરંતુ રહી રહીને એવા આંકડા આવ્યા છે કે આ સત્રમાં 100થી વધારે સાંસદો કંઈ બોલ્યા જ નથી ! બોલો.

હકીકતમાં મામલો એવો છે કે આ સાંસદો જે કંઈ બોલે છે તે બહુ ધ્યાનથી સાંભળવું પડે ! જુઓ, અમારા ચમત્કારી કાન વડે શું શું સંભળાયું છે…

*** 

(મનમાં) ‘પછી આ વખતે આપણાં પગારો વધવાના કે નહીં ?’

(બાજુવાળાને) ‘અલ્યા, વોટિંગ-બોટિંગ કરવાનું આવે તો મને જગાડજે હોં !’

(બજેટ વખતે) ‘આ નિર્મલાજી બહુ બોર કરે છે… શાયરીઓ પણ નથી કહેતાં…’

(મોંઘવારીની ચર્ચા વિશે) ‘હેં ? આટલી બધી મોંઘવારી છે ? મને કોઈએ કંઈ કીધું કેમ નહીં ?’

(ફોન ઉપર, ધીમા અવાજે) ‘પૈસા લાવ્યા છો ? વેરી ગુડ. આ જરા પતે એટલે બહાર મળું છું…’

*** 

(બગાસું ખાતાં) ‘યાર, હવે ઊંઘ આવે છે ! તને નથી આવતી ?’

(ઊંઘમાંથી અચાનક જાગીને) ‘ઝિન્દાબાદ ! ઝિન્દાબાદ ! સોરી મુર્દાબાદ ! મુર્દાબાદ ! નહીં ચલેગી… નહીં ચલેગી…’

(બાંયો ચડાવતાં) ‘હાં… હવે કંઈક મઝા આવશે ! પેલા ચશ્માવાળાને તું પાછળથી પકડજે… આજે તો એને બે થપ્પડ મારવી જ છે !’

(મોટા અવાજે) ‘એ માઈક છૂટાં ના પડે તો છોડ એને… પેપરવેઈટ ફેંક…’

(બધું શાંત પડ્યા પછી, હાંફતાં) ‘હાશ, આખરે થોડી મઝા આવી ખરી !’

*** 

(ડાફોળિયાં મારતાં) ‘ઓહોહો… આજે તો રાહુલજી આવ્યા છે ને કાંઈ !’

(કાન ખેંચતા) ‘સોનિયાજી બોલ્યાં ? શું બોલ્યાં, હેં ?’

(બાજુવાળાને કોણી મારતાં) ‘જે બોલ્યાં હોય એ ! આપણે પાટલીઓ થપથપાવો !’

(ફરી બગાસું ખાતાં) ‘બિચારા ભાજપવાળાને કેવો ત્રાસ થતો હશે નહીં ? બેઠાં બઠાં વાહ વાહ જ કર્યા કરવાનું…’

(ઊભા થતાં) ‘ચાલો… પત્યું ? જે હોય તે… લોકશાહીની આ સિસ્ટમ સારી છે…’

***

- મન્નુ શેખચલ્લી

Comments