કવિશ્રી ચાલ્યા બેન્ક લૂંટવા !

એક કવિ આ મોંઘવારીથી એટલા કંટાળી ગયા કે એમણે એક દિવસ બેન્કમાં લૂંટ કરવાનું નક્કી કરી નાંખ્યું ! એક અભિનેતા પાસેથી નાટકમાં કામ આવે એવી બનાવટી રિવોલ્વર લઈને તે બેન્કમાં પહોંચી ગયા !

પણ મૂળ તો કવિનો જીવ… એ કંઈ ઝાલ્યો રહે ખરો ? જતાંની સાથે એમણે રિવોલ્વર ઊંચી કરીને કવિતા ફટકારી :

‘સાંભળો !!!
નસીબમાં લખ્યા સિવાયનું
કોઈને કશું મળશે નહીં…
અને હેન્ડ્ઝ અપ!!
કોઈ પોતાની જગાથી હલશે નહીં !’

લોકો ડરી ગયા ! આ તો ડબલ ખતરનાક માણસ લાગે છે ! રિવોલ્વર પણ બતાડે છે અને કવિતા પણ સંભળાવે છે ! કવિ સીધા કેશિયર પાસે ગયા અને કહ્યું :

‘બચ્યાં છે જે સપનાં
મારી આંખોમાંથી કાઢી નાંખો…
જેટલી પડી છે કેશ, અહીં
આ બેગમાં ભરી નાંખો !’

કેશિયર પણ ધ્રુજી ગયો. ફટાફટ જેટલા રૂપિયા પડ્યા હતા તે કવિશ્રીના થેલામાં ભરી આપ્યા ! કવિએ ઝોલો ખભે લટકાવીને બહાર જતાં વધુ એક શાયરી લલકારી…

‘બહુ કોશિશ કરી છે મેં
દર્દને ભૂલાવવાની…
ખબરદાર !
કોઈ કોશિશ ના કરતા
પોલીસને બોલાવવાની !’

બેન્કમાં સન્નાટો છવાઈ ગયો. કવિ દરવાજાની બહાર નીકળતાં નીકળતાં સિક્યોરીટી મેન તરફ રિવોલ્વર તાણીને બોલ્યા :

‘જો ભૂલી શકો મને
તો માફ કરી દઈશ
પણ પીછો કર્યો જો મારો
તો ગોળી મારી દઈશ !’

કવિ બહાર જવા જ જતા હતા ત્યાં બેન્કમાં ઊભેલા બે ચાર રસિક શ્રોતાઓ બોલી ઊઠ્યા.

‘વાહ ! શું રચનાઓ હતી ! દૂબારા… દૂબારા !’

બસ, એ જ ઘડીએ કવિના પગ થંભી ગયા ! 

એ પાછા ફર્યા…

ઉપરાછાપરી નવી નવી શાયરીઓ સંભળાવતા રહ્યા ! 

અને છેવટે...

પોલીસના હાથે પકડાઈ ગયા !

***
- મન્નુ શેખચલ્લી

Comments