વરસાદો અને ફેસબુકીયા કવિઓ !

આજે કવિની પીડા કોઈ સમજતું જ નથી. દેશમાં કાશ્મીરી પંડીતો પછી જો કોઈ સૌથી વધુ દયાને પાત્ર હોય તો તે ગુજરાતી કવિઓ છે. 

યાર, સોશિયલ મિડીયામાં તો એમની ફિરકી ઉતારવામાં કોઈએ બાકી જ નથી રાખ્યું. જે રીતે બિચારો કોઈ ચોર એકાદ ખિસ્સું કાતરતાં પકડાયો હોય ત્યારે આવતી જતી તમામ પબ્લિક  ટપલીદાવમાં જોડાઈ જાય ને, એવું જ ચાલી રહ્યું છે !

ના ના, તમે જ કહો, પહેલો વરસાદ આવું આવું થતો હોય અને મોબાઈલમાં મુંબઈની સ્કાયલાઈનનાં વાદળાં જોતાની સાથે ફેસબુકિયા કવિને બંધ એસી રૂમમાં બેઠાં બેઠાં ‘ભીની માટીની સુગંધ’વાળી કવિતા સુઝે તો એમાં એનો શો વાંક ? 

અહીં આખો ખેલ ‘વહેલો તે પહેલો’વાળો છે. ‘ગ્રુપ મેં સબ સે પહેલા ધમાકા હમારા હી હોગા’વાળી ટણીઓ લઈને જે નવરાઓ ગયા વરસનાં ઝાપટાંના વિડીયો ફટકારે છે એને તો સમાજ કંઈ નથી કહેતો ! પણ બિચારો ફેસબુકિયો કવિ ચાર લાઈનનું ‘ભીનું જોડકણું’ પણ જોડી કાઢે તો એનું ટ્રોલિંગ થવા લાગે છે :

‘ભૂલથી બગલનું બોડી-સ્પ્રે નાકમાં ઘૂસી ગયું લાગે છે !’ 
‘કવિ જોજો, એ ભીની માટી નજીકના સુલભ શૌચાલયની તો નથી ને ?’ 
‘ખાસ કશું નથી બોસ, આ તો કવિના મોબાઈલમાં મોરલાના ટહુકાનો રીંગટોન વાગતો લાગે છે !’ 
‘ઓ ભઈ, વરસાદ-બરસાદ કંઈ નથી, બાથરૂમનો શાવર ચેક કરો, લીક થતો હશે !’

હવે તમે જ કહો, કવિ જ્યાં વરસાદનું પહેલું ટીપું પ્રેમિકાના લીસ્સા ગાલ ઉપર પડીને લસરપટ્ટી ખાતું હોય એની કલ્પના કરીને સુંદર બે પંક્તિ લખવાના મૂડમાં હોય ત્યાં લીક થતા બાથરૂમના શાવરની વાત કેવી મગજની પથારી ફેરવી નાંખે ? બિચારો વરસમાં એક જ વાર આવી કવિતા કરે છે ને ? બાકી, શું ઉનાળામાં એણે તમારે માથે એવી કવિતાઓ ફટકારી હતી કે...

‘રેતીઓ રણની મને બાળે છે, 
હું માગું સહારો બસ થોડો… 
બળબળતી બપોરમાં દાઝ્યો છું, 
કોઈ મને આપો એક બરફગોળો !’

નહીં ને ? અરે, શિયાળામાં પણ એણે ક્યાં ફેસબુકની વોલ ઉપર ધાબળો ઓઢાડીને અંદર લખ્યું હતું કે.. 

‘તમારી વાટ જોવામાં, 
બારી ઊઘાડી રહી ગઈ… 
ધાબળા મેં ઓઢ્યા છતાં, 
સવારે ટાઢ ચડી ગઈ !’  

આ બિચારા કવિઓ માત્ર પહેલા વરસાદ વખતે જ ભાદરવાના ભીંડાઓની જેમ ઊગી નીકળે છે ને ? પછી જ્યારે રસ્તાઓ ઉપર કીચ્ચડ ફેલાય છે, નાક સામે માખીઓ બણબણે છે, ગાલ ઉપર (અથવા હાથ ન પહોંચે એવી ગુપ્ત જગ્યાઓ પર) મચ્છરો કરડે છે ત્યારે ક્યાં આ કવિઓ કોઈ કવિતા કરવા આવે છે? 

અને ચાલો, આ કવિઓ ઉભરાતી ગટર ઉપર, રસ્તામાં પડેલા ભૂવા ઉપર, ભેજથી ફૂલી ગયેલાં બારણાં ઉપર અથવા ત્રણ ત્રણ દહાડાથી સૂકાયા વિના ઘરની દોરી ઉપર લટકીને ગંધ ફેલાવતાં તમારાં કપડાં ઉપર… (આ બધી તમામ જગ્યાઓ ઉપર ‘લિટરલી’ બેસીને પણ) કવિતાઓ લખે છે ખરા ? 

લિસ્ટ ફરીથી વાંચો, બોસ ! જોકે લખે, તો તમને કોમેન્ટો વડે કવિને ઝાટકવાની કેવી મઝા પડે ?

માટે, જાહેર જનતાને અમારી એક જ વિનંતી કે બિચારા ફેસબુકિયા કવિને કનડો મા ! હું એ ફેસબુકના પેજ પર  ઉગતા તમામ કવિઓ તરફથી બાંહેધરી આપું છું કે ચોમાસું જામી જાય પછી એમાંથી એકપણ કવિ દેડકાની જેમ ‘ડ્રાંઉ-ડ્રાંઉ’, માખીની જેમ ‘બણ-બણ’ કે રોડ-ખાતાના મજુરોને જેમ ‘ખણ-ખોદ’ નહીં કરે. 

અરે બોસ, જ્યાં કવિ કાલિદાસ જેવો કાલિદાસ ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’વાળી લાંબી કવિતા લખ્યા પછી એના આખા જન્મારામાં ‘શ્રાવણસ્ય સપ્તમ દિવસે’ કે ‘ભાદ્રપદસ્ય ચતુર્થદશમ્ય દિવસે’ સુધી નથી પહોંચી શક્યો તો આ કવિઓની શું ઔકાત છે ? 

માટે થોડી ધીરજ ધરો, એમને બે ઘડી સહન કરી લ્યો. જરૂર લાગે તો એમને ઓનલાઈન સાંત્વના આપવા માટે બે ચાર અંગૂઠાઓ અથવા અંગૂઠો આંગળીને અડતો હોય એવું ઇમોજી સેન્ડ કરી દો.

- બાકી ટામેટાં અથવા ઇંડા ઓનલાઈન મોકલવામાં પ્રોબ્લેમ એ છે કે એ ‘ફ્રેશ’ જ મળે છે. સડેલા નહીં !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments