આજકાલ એક મેસેજ ફરે છે કે તમે મરી જશો પછી બીજે દહાડે તો તમારાં સગાં મોબાઈલો મચડતાં હશે, ત્રીજે દહાડે જોક્સ વાંચીને હસતા હશે, અઠવાડીયા પછી ટીવીમાં ફિલ્મ જોતા હશે, પંદર દહાડા પછી પિકનિક કરતા હશે… વગેરે વગેરે, તો ભૈશાબ, આવું જીવીને શું ફાયદો ?
એમ તો સંત-મહાત્માઓ પણ કહી ગયા છે કે જીવો તો એવું જીવો કે મર્યા પછી પણ લોકો યાદ કરે ! હા, બરોબર છે પણ
આ તો મોટા માણસોની વાત થઈ. મારા તમારા જેવા મામૂલી માણસોએ મર્યા પછી યાદ આવવું હોય તો શું કરવું ?
બિચારા કવિઓ અને લેખકો પણ એવા ખોટા ભ્રમમાં રહે છે કે એમના ગયા પછી એમનાં પુસ્તકો જીવતાં હશે. હકીકતમાં તો એમના દેહ પછી એમની પસ્તીને પણ ‘કાઢવાનો’ વારો આવ્યો જ હોય છે !
એટલે જુઓ, મામૂલી માણસે મર્યા પછી યાદ આવવું હોય તો અમારી પાસે થોડા અવળચંડા નુસ્ખા છે..
વારંવાર ફોટા પડાવો
સૌથી પહેલાં તો પોતાના ફોટા પડાવો ! કહો કે ‘મારા બેસણામાં મુકવા માટે એક્કેય સારો ફોટો જ નથી !’ એમ કરી કરીને દર બે ત્રણ મહિને નવાં નવાં કપડાંમાં, નવા નવા ફોટોગ્રાફરો પાસે ફોટા પડાવતા રહો. પણ હલો, આટલેથી અટકવાનું નથી !
એમાંથી ‘ફલાણો ફોટો બેસ્ટ છે’ એવું એક ભાણિયાને કહેવાનું અને ‘ઢીંકણો જ મુકાવજે મારા બેસણામાં’ એવું બીજાં ભત્રીજાને કહેવાનું ! આ રીતે દસ-બાર સગાંઓને ‘ખાનગીમાં’ જુદું જુદું કહી રાખવાનું… પછી જુઓ, એ બધાં તમારા મર્યા પછી કેવા તમને ‘યાદ’ કરે છે !
શ્રધ્ધાંજલિઓ તૈયાર કરાવો
અને હલો, છાપામાં આપવા માટે શ્રધ્ધાંજલિની જાહેરખબરો તૈયાર કરાવડાવો ! આમાંય ‘ફલાણું વાક્ય બરાબર નથી’, ‘ઢીકણું તો મારા માટે કોઈ લખાવતું જ નથી’ એવી કચકચ કરતા રહો… પણ હલો, આટલેથી અટકવાનું નથી !
આવી અનેક જાxખ બનાવડાવો ! પણ એક મિનિટ, દરેક માટે અલગ અલગ સગાંને લાલચ આપો કે ‘તું આ છપાવડાવીશ તો તને મારી વસિયતમાંથી રૂપિયા મળશે !’
પછી જુઓ, તમારા ગયા પછી તમને લોકો યાદ કરે છે કે નહીં ?
વસિયતનામામાં ગેમ કરો
વસિયતનામાનો ખેલ તો સૌથી બેસ્ટ છે ! દર બે-ત્રણ મહિને વસિયતનામું બદલતા રહો ! એના માટે વકીલો પણ બદલો અને વકીલ બદલવા માટે સગાંઓ પણ બદલો ! જે નવો વકીલ લઈ આવે તેની કોણીએ પણ ગોળ વળગાડો !
આમાં તમારા મર્યા પછી સૌ તમને ‘દાંત કચકચાવીને’ યાદ કરતાં કહેશે કે ‘ડોહો/ડોહી ખરેખર મગજની દવા હતી !’
અને હલો, વિલ પણ ઝટ પતે એવાં નહીં બનાવવાનાં ! કોઈ ભાણિયો જો બે વરસ સુધી મોબાઈલને ના અડે તો જ એને પાંચ વરસે પાંચ લાખ મળે ! કોઈ જમાઈ દર વરસે તમારી પૂણ્યતિથિ પર વીસ બિલાડીને ‘સામટી ભેગી કરીને’ દૂધ પીવડાવે તો જ એને દસ વરસે દસ લાખની FD વ્યાજ સાથે મળે ! અથવા કોઈ પૌત્રી સળંગ ચાર વરસ સુધી સાડી પહેરીને ફરે તો જ એને પંદર વરસે પંદર લાખનો ડાયમન્ડ નેકલેસ મળે !
આ તો થઈ તમારાં સ્વજનો માટેની જોગવાઈઓ, પણ તમારાં દુર્જનો/દુશ્મનો માટે શું કરવું ?
દુશ્મનને પણ યાદ કરાવો
એક કામ કરો, તમારા કોઈ ખાસ માણસ પાસે તમારો અવાજ રેકોર્ડ કરાવો અને તમારા મર્યા પછી અજાણ્યા નંબર ઉપરથી એને ફોન કરીને સંભળાવો કે...
‘હરામખોર ! હું ભલે મરી ગયો/ગઈ પણ ભૂત/ચૂડેલ થઈને તારી પથારીમાં તને જ પેશાબ ના કરાવું તો મારું નામ નહીં ! હીહીહી… હોહોહો… હાહાહા…’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment