આજકાલની આ મોંઘવારી, બેરોજગારી, લઠ્ઠાકાંડ અને રોજ રોજના કકળાટને લીધે જિંદગી ઉબડ ખાબડ રસ્તા ઉપર જતી ખખડી ગયેલી ગાડી જેવી બની ગઈ છે !
આવામાં ક્યારેક એવું ‘હાશ’ કરાવી દેતું સપનું આવી જાય છે કે…
***
ક્યારેક એવું સપનું આવે
કે યાર, એવું થઈ જાય…
એક્ઝામો તો હોય
પણ રિઝલ્ટ જ ના આવે
ક્લાસિસ તો હોય
પણ ટિચર જ ના આવે !
***
શોપિંગ તો કરીએ
પણ બિલ જ ના આવે
ગમતી સિરિયલનો કદી
એન્ડ જ ના આવે !
***
ઓફિસમાં જઈએ તો
બોસ જ ના આવે
ને, બોસ જો આવે
તો એને જ તાવ આવે !
પંદર દહાડા થાય
ત્યાં તો પુરો પગાર આવે
ને દિવાળીનું બોનસ
વરસે બબ્બે વાર આવે !
***
અરે પત્નીનું રાંધેલું
રોજ પતિને ભાવે !
ને ક્રિકેટ મેચો જોવી
પત્નીને પણ ફાવે !
***
સપનામાં રોજ રોજ
કેટરીના આવે
ને જાગી જઈએ તો
દિપીકા પગ દબાવે !
***
માલ્યા મેહુલ ને બીજા
ઇન્ડિયામાં પાછા આવે
ને આપણા ખાતામાં
પુરા પંદર લાખ આવે !
***
છાપામાં રોજ ફરી
પેલી કુપનો આવે
અને ભાવ ‘ઘટે છે’…
આહાહા…
‘ભાવ ઘટે છે’ એવા
રોજ સમાચારો આવે !
કાશ…
ક્યારેક એવું ‘સપનું’ તો આવે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment