મેથીના ભજીયાં કે કંદનાં ભજિયાં એવા પ્રકારોની વાત નથી, વરસાદની મોસમમાં માત્ર અને માત્ર ભજિયાંનાં વિવિધ પ્રકારો જોવા મળે છે…
***
વરસાદી ભજિયાં
વરસાદ પડે કે તરત ભજિયાં ખાવાની કેવી તલબ લાગે છે ? અરે, દૂર પડોશમાં ક્યાંક ભજિયાં તળાતાં હોય તો એની સુગંધ જ કેટલી ‘ઉશ્કેરણીજનક’ હોય છે ! આને કહેવાય વરસાદી ભજિયાં…
***
સોલ્જરી ભજિયાં
વરસાદી વાતાવરણમાં જ્યારે ઓફિસના સભ્યો પોતપોતાના ખિસ્સામાંથી 5-10 રૂપિયા કાઢીને ‘ફાળો’ ભેગો કરે છે અને ભજિયાં લાવવા માટે સૈનિકને (પટાવાળાને) મોકલે છે… તે ભજિયાં !
***
દાંપત્ય ભજિયાં
વરસાદી સાંજ હોય, પતિ પલળીને ઘરે આવે… અને પત્ની હાથમાંથી છત્રી લેતાં જ પૂછે ‘ભજિયાં ખાશો ? ગરમા ગરમ તળું છું !’ આને કહેવાય દાંપત્ય-જીવનનાં ભજિયાં…
***
કોરોના ભજિયાં
કોરોનાના ચેપ સાથે આને કોઈ લેવાદેવા નથી પરંતુ કોરોનાકાળમાં જે પતિઓ ભજિયાં તળતાં શીખી ગયા છે… તેઓ પત્નીની ફરમાઈશ પુરી કરવા જે ભજિયાં બનાવે, તે છે કોરોના ભજિયાં !
***
ફેમસ ભજિયાં
દરેક શહેરના દરેક વિસ્તારમાં એકાદ ફેમસ ફજિયાંવાળો હોય જ છે. આવાં ભજિયાંની હોમ-ડિલીવરીમાં કંઈ સ્વાદ નથી ! એની ખરી મજા તો ત્યાં જ ઊભાં ઊભાં સિસકારા બોલાવતાં ખાવામાં હોય છે !
***
વાસી ભજિયાં
વધારે પડતા ઉત્સાહમાં જ્યારે ‘દાંપત્ય ભજિયાં’ વધારે ક્વોન્ટિટીમાં બની જાય છે ત્યારે એ જ ભજિયાંને બીજા દિવસે સવારે ચા સાથે ‘ન્યાય’ આપવો પડે છે !
***
ડોક્ટર ભજિયાં
કોઈપણ પ્રકારનાં ભજિયાં જ્યારે વધારે પડતાં ખવાઈ જાય… સમજી ગયા ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment