ફિલ્મ સ્ટારોની 'કલમ- ખેતી' યાને કે થોભિયાં પુરાણ !

એ જમાનામાં અમે હેર-કટિંગ સલૂનમાં જતા તો કારીગર આપણને પૂછતો કે ‘કલમ રાખવાની છે ને ?’ ફિલ્મની ભાષામાં કહીએ તો ‘તાઝિરાતે હિન્દ’ની એ કઈ 'કલમ' હતી એની અમને કોઈને ખબર નહોતી ! 

છતાં હકીકત એ હતી કે આખા દેશના જુવાનિયાવને કાન પાસે વાળનાં થોભિયાં, ઉર્ફે સાઈડ-લોગ્સ ઉર્ફે કલમ ઉગાડવાની ફેશન વળગી હતી. પેલાં ‘ઘંટાકાર તળિયાં’વાળા પેન્ટની ફેશનની માફક આ ફેશન પણ પહેલાં રિયલ લાઈફમાં આવી અને પછી મોડે મોડી ફિલ્મ-સ્ટારોને ટ્યૂબલાઈટો થઈ !

આ થોભિયાં-પુરાણ ઉપર ઉંડાણથી પીએચડી પણ કરી શકાય પરંતુ હાલ પુરતું એક લેખથી એનું સંક્ષપમાં જ વિવેચન કરીએ… 

જુઓ, રાજેશ ખન્નાએ તો એની આખી કેરિયરમાં કદી મોટાં થોભિયાં રાખ્યાં જ નહીં કેમકે એને એટલા વાળ ઊગતા જ નહોતા. હા, પેલું ગાયન ‘દુનિયા મેં લોગોં કો… ધોકા કભી હો જાતા હૈ’ માટે કાન પાસે સોનેરી વાળનાં ગુંછડા ચોંટાડેલાં ખરાં. એ જ રીતે ધર્મેન્દ્ર પણ થોભિયાંબાજીમાં નહોતો પડ્યો. કારણ ખબર નથી, પણ કદાચ હેમા માલિનીને પસંદ નહીં હોય. (છતાં ‘દો ચોર’માં ‘યારી હો ગઈ યાર સે લક ટુનું-ટુનું…’ ગાવા માટે કાન પાસે ખિસકોલીની પૂંછડી ચોંટાડી હતી.)

થોભિયાંના રેકોર્ડની તપાસ કરતાં જણાય છે કે ‘ચેતના’ (1971) એવી પહેલીં સળંગ ફિલ્મ હતી જેમાં અનિલ ધવને ભરપૂર યુરિયા ખાતર નાંખીને ઉગાડેલાં થોભિયાનું આખી ફિલ્મમાં ફક્ત પુખ્ત વયના લોકો માટે એક્ઝિબિશન રાખેલું. (કેમકે એ ફિલ્મ ફક્ત 28 દિવસમાં શૂટ થઈ ગયેલી.) 

એ પછી તો ફિલ્મ-સ્ટારોના કાને થોભિયાની ખેતી જંગલના રાફડાની માફક ફાટી નીકળી હતી. અમિતાભ બચ્ચન તો કાન ઢંકાય એવી રીતે ક્રીમ લગાડેલા ચળકતા કાળા ભમ્મર વાળનાં થોભિયાં રાખતો. વિનોદ ખન્નાની કલમ કદાચ કરફ્યુવાળી 144ની કલમ હશે જેથી તે હંમેશા પાતળી પેન્સિલ જેવી જ દેખાતી હતી. શત્રુઘ્નસિંહા તો આમેય ‘છેનું’ અને ‘જગ્ગુદાદા’ ટાઈપના વિલનના રોલ કરતો હતો એટલે એની કલમ દફા 302થી કમ ખતરનાક લાગે એવા ચાન્સ જ નહોતા ! 

આમાં ફરી એકવાર આપણા રાજેન્દ્રકુમાર નામના અંકલ ભરાઈ પડ્યા ! એમણે બેલ-બોટમ પણ ના અપનાવ્યું અને કલમમાં પણ મૂડીરોકાણ ના કર્યું. આખરે ‘ગોરા ઔર કાલા’માં એના દંડરૂપે એમના ચહેરા ઉપર કાળી મેંશ ચોપડીને કાન પાસે ખિસકોલીના વાળ ચોંટાડવાની સજા મળી હતી !

થોભિયાંની બાબતમાં ફિરોઝ ખાને ખરેખર રંગ રાખ્યો હતો. માથા ઉપરના વાળ ઘટતા જતા હતા છતાં થોભિયામાં પુરેપુરું ઓઇલિંગ ચાલુ હતું ! અરે, 1974માં આવેલી ‘ખોટે સિક્કે’ નામની ફિલ્મમાં તો પાંચેપાંચ મેઇન કલાકારોનાં થોભિયાં એકબીજા જોડે હરિફાઈમાં ઉતર્યાં હતાં. (ડેની, રણજીત, પેન્ટલ, સુધીર અને ફિરોઝ ખાન) એમાં વળી ફિરોઝ ખાન તો ‘ઉત્તેજક’ સીનમાં હિરોઈન સામે શર્ટ કાઢીને તેના શરીરે ઊગતા વાળની ખેતીને પણ પ્રદર્શનમાં મુકી દેતો હતો. (સારું થયું કે અનિલ કપૂરે આ હાઈ-બ્રિડ ખેતીના ધંધામાં ના ઝંપલાવ્યું.)

માનો યા માનો, એ થોભિયામાં કંઈક તો જાદૂ હતું જ ! જેનાથી વિલન અજીતનો કમ-બેક થયો એ ‘જંજીર’માં એણે મીણ પાયેલાં ધોળા વાળ વડે મોટાં થોભિયાં રાખેલાં. ‘બોબી’ વડે કમ-બેક કરનારા પ્રેમનાથે તો છેક ‘જ્હોની મેરા નામ’થી થોભિયાંની માનતા રાખી હતી ! સુનીલ દત્તનાં પૂણ્યો પણ છેક ‘મુઝે જીને દો’નાં થોભિયાંના સત્કાર્યોને લીધે ફળ્યાં અને એમનો સેવન્ટીઝમાં ભારે કમ-બેક થયો ! જિતેન્દ્ર તો ‘પરિચય’માં એક સીધા સાદા માસ્તરના રોલમાં હતો છતાં તેનાં થોભિયાંને ખુદ ગુલઝાર જેવા ગુલઝાર છોલી શક્યા નહોતા ! 

આ બધામાં ભડનો દિકરો નીકળ્યો મિથુન ! એણે ‘મૃગયા’ (1976)માં એન્ટ્રી લીધી પછી આગળ જતાં થોભિયાં તો શું આખેઆખી કલમ જ જડમૂળથી છોલાવી નાંખી ! કાન પાસે સાવ સફાચટ રાખવાની એ ફેશનને ‘મિથુન-કટ’ કહેતા હતા !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments