આજે અમારો સ્માર્ટફોન અચાનક હેંગ થઈ ગયો ત્યારે પેલો જુનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોન યાદ આવી રહ્યો છે…
***
આહાહા… શું એની કાળજી લેતા હતા ! એ બિચારો વરસાદમાં પલળી ના જાય એટલા માટે એને પ્લાસ્ટિકની કોથળીમાં વીંટીને રાખતા હતા !
***
જાણે એનાં માપનાં કપડાં સીવડાવવાનાં હોય એમ જે તે મોડલનાં ચેઈનવાળાં પ્લાસ્ટિક કવરો કરાવવા માટે ફેરિયાઓને શોધતા હતા !
***
એમાં ગેમ તો બે જ આવતી હતી… એક પેલા સાપોલિયાંવાળી અને બીજી ખાઉધરા જીવડાવાળી !
***
અને શું એનું વાયબ્રેશન ! કોઈનો ફોન આવે તો આખી જાંઘ વાયબ્રેટ મારતી હતી ! (પેન્ટમાં ફોન રાખતા હતા એટલે, બાકી શર્ટના ખિસ્સામાં હોય તો હાર્ટમાં ઝણઝણાટી થતી હતી !)
***
આજની જનરેશનને તો માન્યામાં જ ના આવે કે જુની જનરેશનના 80 ટકા અંકલો હસતાં ત્યારે જ શીખ્યા જ્યારે મોબાઈલમાં રોજની દસ જોક્સ આવતી થઈ !
***
તહેવારોની ‘વેલ્યુ’ પણ આ જુના મોબાઈલે જ સમજાવી, કેમકે દિવાળી, હોળી, ક્રિસમસ જેવા તહેવારોના દિવસે SMSનો ચાર્જ 10 પૈસા વધારે લાગતો હતો !
***
પાંચ અક્ષરનો મેસેજ ટાઈપ કરવા માટે બાર વખત ચાંપો દબાવવી પડતી હતી… છતાં અમુક કલાકારો એમાં ભારતનો ‘લહેરાતો’ ઝંડો ટાઈપ કરીને મોકલતા હતા !
***
અને હા, ‘લાઈફટાઇમ’ એટલે 20 વરસ, એવું એણે જ શીખવાડ્યું હતું છતાં આપણે એને એ પહેલાં જ પતાવી નાંખ્યો ! ઓમ શાંતિ શાંતિ શાંતિ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment