અહીં ફિલ્મી બાળ-ગીતોમાં...

ફિલ્મોમાં જે બાળકો માટેનાં ગીતો હોય છે એને જરા અલગ રીતે સાંભળો તો એમાં પણ ભલતી-સલતી સિચ્યુએશનો દેખાઈ શકે છે ! જુઓ…

*** 

‘નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ…’

- અહીં ‘ફ્યુચર’ની કલ્પના કરવામાં આવી છે ! સાવ નાના ત્રણ મહિનાના બાળકના હાથમાં પણ મોબાઈલ હશે ! કદાચ બાળકો જન્મતાંની સાથે જ મુઠ્ઠીમાં મોબાઈલ લઈને આવતાં હશે !

*** 

‘ગુડિયા, હમ સે રૂઠી રહોગી, કબ તક ના હંસોગી…’

- અહીં બેબીને મેગી ખાવી છે પણ મમ્મી શીરો ખવડાવવાની જીદ લઈને બેઠી છે ! બેબીના મોબાઈલમાં રિ-ચાર્જ પણ પતી ગયું છે નહિતર એ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી લેતી હોત… એટલે જ એ રીસાયેલી છે.

*** 

‘પાપા કો મમ્મી સે, મમ્મી કો પાપા સે… 
પ્યાર હૈ.. હૈ ના બોલો બોલો..’

અહીં ઝગડીને થાકી ગયેલાં મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને ફેસબુકમાં કપલ-ફોટા બતાડીને કન્વીન્સ કરવાની કોશિશ કરી રહ્યાં છે કે જુઓ, મમ્મી-પપ્પા એકબીજાને ‘રીયલી’ પ્યાર કરે છે !

*** 

‘જહાં ડાલ ડાલ પર સોને કી ચિડીયાં કરતી હૈ બસેરા… 
વો ભારત દેશ હૈ મેરા…’

- અહીં કોઈ દેશપ્રેમી ઇતિહાસકાર વોટ્સએપ યુનિવર્સિટીના જ્ઞાનનો હવાલો આપીને બાળકોને સમજાવી રહ્યા છે કે જુઓ, આપણો દેશ કેટલો ભવ્ય અને મહાન છે !

*** 

‘નન્હા મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું…’

- અહીં પણ ‘ફ્યુચર’ની વાત છે. ભવિષ્યમાં જ્યારે આઠ-દસ વરસનાં બાળકો માટે ‘જુનિયર અગ્નિપથ’ યોજના આવશે ત્યારે આ ગીત ગવાતું હશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments