છેલ્લાં 15-20 વરસથી રિ-યુનિયનનું જે ચાલ્યું એમાં અમે ’71ના CN વિદ્યાલયવાળા મોડા પડ્યા. જેમ તેમ કરીને જે દેડકાંની પાંચશેરી ભેગી કરી એમાં 250માંથી 80-85તો ‘સખણા’ રહ્યા, એ જ મોટી વાત છે !
છતાં તમે જુઓ કે ડાયરેક્ટ એકાવન વરસ પછી જે એકબીજાંને મળતાં હોય એમની કેવી ટ્રેજેડીઓ હોય છે ?
એક તો ફિલ્મોમાં જે રીતે ‘બિછડે હુએ’ દિલ પાછા મળે ત્યારે આંખોમાં ઝળઝળિયાં લાવીને ‘બીસ બરસ બીત ગયે, નહીં ?’ એવું પણ ના કહી શકાય ! ઉપરથી ‘આંધી’ ફિલ્મમાં જે રીતે ગાયનની વચ્ચે ડાયલોગ આવે છે કે ‘ઇસ બાર તો અમાવસ્યા પુરે બીસ બરસ કી થી…’ એવું પણ અઢી વખત કહેવું પડે ! તોય એક વરસ ખૂટે !
આમાં અફસોસ બિચારી એકતા કપૂરને જ થવાનો કેમકે એના વીસ-વીસ વરસના ‘જમ્પ’નો રેકોર્ડ અમે એકાવન વરસના જમ્પ વડે તોડી નાંખ્યો છે.
અમે મૂળ 1971વાળા એટલે ‘અગિયારમા’વાળા. આજ સુધી અમે ‘અમર’ રહ્યા છીએ એનું કારણ એટલું જ કે અમારું ‘બારમું’ કદી થયું જ નહીં. (એમ તો રિ-યુનિયનમાં સૌ માટે જમણવાર પણ રાખ્યો હતો. છતાં બોલો, કોઈને ‘બારમા’નો વિચાર સુધ્ધાં ના આવ્યો ! બસ, આને જ કહેવાય જીવન જીવવાની ખુમારી.)
અહીં જીવનની વાત નીકળી જ છે તો કહી દઉં કે જે રીતે અમુક લોકો 51 વરસના થાય ત્યારે આપણો ‘વનપ્રવેશ’ થયો એમ કહેતા હોય છે એ રીતે આ અમારા સૌનો ‘સાઠે બુધ્ધિ નાઠી-પ્રવેશ’ હતો. યાર, જરા કલ્પના કરો, જ્યાં આખું ટોળું સાડી છાંસઠ વરસની એવરેજનું હોય ત્યાં કેવો સીન હોય ?
સ્કુલમાં જેને ‘ખેંખલી’ કહેતા હતા એ ગોળમટોળ કોઠી બની ગયો હોય, જેના કપાળે કાળાભમ્મર વાળનો ગુચ્છો (દેવઆનંદ કે જોય મુખરજી જેવો) લહેરાતો હતો એ અહીં પૂનમનાં ચાંદ જેવું ધાબું લઈને ફરતો હોય, કોઈનું આખું છાપરું ધોળું-ધબ થઈ ગયું હોય અને કોઈને કાનપુરમાં હડતાલ પડી હોય. (એ તો સારું હતું કે કોઈ LLTT નહોતું. LLTT = લુકિંગ ટુ લંડન એન્ડ ટોકિંગ ટુ ટોકિયો)
આમાં બિચારી છોકરીઓ તો એમના ક્લાસના છોકરાઓના દુંદાળા, ફાંદાળા, વાંકાચૂકા, સૂકાઈ ગયેલા અથવા વકરી ગયેલા આકારોને જોઈને ખાસ આઘાત ના પામતી હોય (કેમકે સ્ત્રી તો સહનશીલતાની મૂર્તિ કહેવાય છે) પરંતુ છોકરાઓની દશા કેવી વિચિત્ર હોય ?
સાલું, છેલ્લા 51 વરસથી જેના ફોટાઓ મનના ખૂણામાં સાચવીને રાખ્યા હોય એમાં એની સામે જે દેખાતી હોય એમાં ‘નહીં ત્રણમાં નહીં તેરમાં, નહીં છપ્પનના મેળમાં’ એવું મેચિંગ પણ ના આવતું હોય તો બિચારાઓ શું કરે ? (એમાં અમુક તો પોતાની પત્નીને સાથે લઈને આવ્યા હોય, એટલે સતત મનમાં કંપરેઝિન કર્યા કરે બોસ, આપણે સરવાળે ફાયદામાં રહ્યાં કે નુકસાનમાં?)
છતાં એક વસ્તુ સારી થઈ કે સાડી છાંસઠ વરસની એવરેજવાળું આ સિનિયર-ટોળું એકબીજા આગળ ઘૂંટણ, ડાયાબિટીસ, પ્રેશર કે બે વરસ પહેલાં જ કઢાવેલી દુઃખતી દાઢનું ડિસ્કશન કરવાને બદલે સ્કુલમાં કેવી ધમાલ કરેલી અને ‘સાલા, આટલો વખત તું ક્યાં હતો?’ એવી જ વાતો કરતા રહ્યા.
અહીં બીજી એક વાત પણ સારી હતી કે માત્ર ‘જૈન’ કાઉન્ટર અલગ રાખેલું પરંતુ ‘ડાયાબિટિસ’ કાઉન્ટર રાખવાની જરૂર પડી નહોતી. અમુક નમૂનાઓ ગ્રુપ ફોટો પડાવવા માટે પલાંઠી વાળીને નીચે બેસી ગયા હોય તેને ઊભા કરવા માટે માત્ર કોઈના હાથના સહારાની જરૂર પડી, બાકી ‘અહીં સભ્યો માટે વ્હીલચેરની વ્યવસ્થા છે’ એવું બોર્ડ મારવાની જરૂર પડી નહોતી. (જોકે બીજાં વીસેક વરસના જમ્પ પછી મળીએ ત્યારે ‘અહીં શ્રધ્ધાંજલિ તથા અસ્થિ-વિસર્જનની વ્યવસ્થા છે’ એવું એકાદ કાઉન્ટર તો રાખવું પડશે.)
બાકી, એક વાત તો નક્કી, જ્યાં આ ઉંમરે ‘સર’, ‘મેડમ’, ‘સાહેબ’, ‘આન્ટી’ અને ‘અંકલ’ના માનવાચક સંબોધનોનો ભાર લઈને ફરતાં હોઈએ ત્યાં એક સામટાં 87 જણા તમને ‘એ ટોપાં !’ ‘એ ડોબી !’ કહીને બોલાવે ત્યારે મનમાં જે ‘ઈગો-ફીગો’ હોય એનું તો મસ્ત કચુંબર બની જાય ને !
બસ, એની જ મઝા છે. બોસ,
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Jamavat
ReplyDeleteThanks !
DeleteZakkash,such gathering is not finished without any of your teacher!!(He or She)...
ReplyDeleteSo true. But some health issues.
DeleteWe celebrated reunion in our School last year in August 2021 in Shreyas High School, Baroda. Ours was batch of 1977 i.e. after 44 years and our average age was 59.5 years and enjoyed it to the core. I have relieved those moments of reunion again through your above article. Thanks for making my Sunday nostalgic.
ReplyDeleteThanks for sharing , sir !
ReplyDelete