કાળાંબજારનો અજીબો-ગરીબ કિસ્સો !

સિત્તેરનો દસક જ એવો હતો કે કોઈપણ ચીજ તમને ટટળાવ્યા વિના મળે જ નહીં. 

રેલ્વેના ડબ્બાની સીટ હોય કે સિનેમા હોલની સીટ, કાળાંબજાર સર્વવ્યાપી હતો. જોકે ફિલ્મોની ટિકીટનાં કાળાં બજાર થાય એ એક જાતનું ‘સ્ટેટસ’ ગણાતું હતું. (ફિલ્મ માટે અને ખરીદનાર માટે પણ.)

આવા સમયમાં અમારી સાથે એક ઉલટી ગંગા જેવો કિસ્સો બન્યો હતો. વડોદરાની MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં બનેલો આ અજીબોગરીબ કિસ્સો છે જેમાં ઘટના ‘અજીબ’ બની, અને શિકાર ‘ગરીબો’ હતા ! 

વાત એમ બની કે થર્ડ યરમાં ભણતા એક છોકરાની સગાઈની વાત ચાલી રહી હતી. ભાઈ પોતે દેખાવે કોલસાની ખાણમાં કામ કરતા ખાણિયા જેવા કલરના હતા. પરંતુ બાપા પૈસેટકે સમૃદ્ધ હતા. ગામડેથી કહેણ આવ્યું કે બેટા, વડોદરામાં તમારે એક કન્યાને મળીને ‘યસ’ કરવાનું છે.

એ છોકરાંએ કન્યાનો ફોટો મિત્રોને બતાડ્યો તો બધા કહે ‘બોસ, આ ચોકઠું કદી ગોઠવાય જ નહીં ! ક્યાં તું કાગડા જેવો અને ક્યાં આ સુંદરી દહીંથરા જેવી ? પેલી ‘હા’ જ નહીં પાડે !’

છોકરો કહે ‘ધારો કે ગોઠવાઈ ગયું, તો ?’

આમાંને આમાં શરત લાગી ગઈ ! દોસ્તોએ કહ્યું કે જો ચોકઠું ગોઠવાઈ જાય તો અમે સૌ ભેગા મળીને તને મોટી હોટલમાં ડીનરની પાર્ટી આપીશું ! 
શરત તો લાગી ગઈ અને બેટમજી જીતી પણ ગયો  એ જમાનામાં વડીલોને ડાચાં કરતાં કુંડળીઓ જોવામાં વધારે શ્રધ્ધા હતી. 

ખેર, પાર્ટી તો આપવી જ પડે એમ હતી પણ મહિનાની આખર તારીખો ચાલી રહી હતી. મિત્રોના મનીઓર્ડરો આવવાને હજી વાર હતી. આટલી મોટી રકમ કાઢવી ક્યાંથી ?

આખરે એક દોસ્તને આઇડિયા સુઝ્યો. એણે બાકીના દોસ્તો પાસેથી માથાદીઠ બબ્બે રૂપિયા ભેગા કરીને પિક્ચરની ટિકીટો એડવાન્સ બુકિંગમાં ખરીદીને પછી ‘બ્લેક’માં વેચી મારવાનો માસ્ટર પ્લાન બનાવ્યો ! (આ એ જ મિત્ર હતો જેને કાળાંબજારીયાઓ પાસેથી પણ ‘વાજબી ભાવે’ ટિકીટો ખરીદવાની કળા આવડતી હતી.) 

એ સમયે ‘જંજીર’ સુપરહિટ થઈ ગયેલું. ટિકીટોનાં દામ રવિવારે તો ચાર-પાંચ ગણાં થઈ જતાં હતાં. આ દોસ્તોની ટોળકીએ પંદર ટિકીટો અંકે કરી હતી.

રવિવારે પેલા ટીમ લીડર સહિત આ ટોળી બ્લેક કરવા ઉતરી. ‘અપરના… દસ.. બાલ્કની પંદર…’ એમ ધીમા અવાજે, છૂટું છવાયું વેચાણ, ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. ટેન્શન બે વાતનાં હતાં. એક બાજુ પોલીસની નજરોથી બચવાનું હતું અને  બીજી તરફ ઓલરેડી જે કાળાંબજાર કરનારી ગેંગ હતી એને પણ ખબર પડવી ના જોઈએ ! 

જોકે જે નહોતું થવું જોઈતું, એ જ થયું ! એક મિત્રએ ઉત્સાહમાં આવીને શીંગચણા વેચનાર ફેરિયા જેવા ઊંચા અને તીણા અવાજે બોલવાનું ચાલુ કર્યું. ‘ચલેએએ… અપ્પરના દસ્સ… બાઆલ્કનીઈના પંદર્રર્રર્ર…!’

આ સાથે જ ત્રણ ચાર ટપોરીઓના કાન ચમક્યા ! એ મુઠ્ઠી ઉગામતાં પેલા શીંગચણા સ્ટાઈલના સેલ્સમેનને ઘેરી વળ્યા ! બીજી બાજુ પોલીસોને ‘નવી ગેંગ’ની ગંધ આવી ગઈ ! એ પણ લાકડીઓ ઉગામતા ધસી આવ્યા ! આ ધમાચકડી જોતાં જ બાકીના મિત્રો સમજી ગયા કે અહીં ઊભા રહેવામાં માલ નથી. પેલા ‘સુપર સેલ્સમેન’ને બચાવવાં જતાં બધાનાં હાડકાં ખોખરા થવાનો સંભવ હતો.

આખરે થિયેટરથી દૂર આવેલા એક પાનના ગલ્લે પેલો શીંગચણા કલાકાર ઝોલાં ખાતો આવ્યો. એને ખાસ માર નહોતો પડ્યો કેમકે એના ખિસ્સામાં ટિકીટો હતી જ નહીં ! 

ખેર, ફરી સિનેમાહોલ તરફ જવામાં જોખમ હતું એટલે દોસ્તોએ ત્યાં ઊભાં ઊભાં ‘વકરો’ ગણી જોયો. સરવાળે ખાસ ‘નફો’ તો નહોતો થયો પણ એવી ‘ખોટ’ પણ નહોતી ગઈ.

છેવટે પાર્ટી આપવાનું પ્રોમિસ પણ બધાએ પાળ્યું. ફરક એટલો જ હતો કે મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનરને બદલે સૌએ મામુલી રેસ્ટોરન્ટમાં મસાલા ઢોંસા ખાધા ! 

ખુશી બે વાતની હતી : એક, બધા પોલીસની ‘જંજીર’માંથી બચી ગયા હતા. અને બે, એમનો દોસ્ત સગાઈની ‘હથકડી’માં ફીટ થઈ ગયો હતો !

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments