હજી પ્રિ-મોન્સૂનના થોડા છાંટા, થોડાં ઝાપટાં પડ્યાં નથી ત્યાં તો મોબઈલમાં આપણા કોપી પેસ્ટીયા કવિઓ ‘વરસાદના વધામણાં’ ટાઇપની કવિતાઓ ફોરવર્ડ કરવા માંડ્યા છે !
આ બધું જોઈને મેઘરાજા ખરેખર બગડ્યા છે ! સાંભળો, એ શું કહે છે…
***
અલ્યા, કોપી-પેસ્ટિયા, ફોરવર્ડિયા કવિઓ ! જરા શાંતિ રાખો ?
હજી મેં ટ્રાયલ-રન જોવા માટે વાદળનું એક્સિલરેટર ચેક કર્યું ત્યાં તો એની ઘરઘરાટી સાંભળીને તમે લોકો મોરના ટહુકા ફોરવર્ડ કરવા માંડ્યા ?
અલ્યા, જરીક સાચુકલા મોરને જઈને પૂછો તો ખરા ? કે બકા, મેઘરાજાનો કોઈ ‘મિસ-કોલ’ પણ આવ્યો છે ખરો ?
એમાં વળી એકાદ કવિ તો રીતસર ઉઘરાણી કરવા બેઠા છે ! કહે છે કે કેરળથી અહીં ગુજરાતમાં આવતાં કેટલી વાર ?
અલ્યા ભઈ, અહીં આકાશમાં તમારા મોદી સાહેબે કંઈ બુલેટ-ટ્રેન નથી બંધાવી આપી ! કે કેરળથી ડાયરેક્ટ ગુજરાતમાં એન્ટ્રી મારું !
અને હા, જ્યારે આવીશ ત્યારે તો આ તમામ કોપી-પેસ્ટિયાઓ એક બાજુ છબછબિયાં કરતાં ટેણિયાનાં ફોટા મુકશે અને બીજી બાજુ પેન્ટની મોરી બબ્બે ઇંચ ઊંચે ચડાવીને ખાબોચિયું ‘એવોઇડ’ કરવા માટે દોઢ ફૂટના લોંગ-જમ્પો મારતા થઈ જશે !
બીજા એક કવિનું પેલું શું ફોરવર્ડિયું ફરે છે ? કે ‘એક નાનકડું વાદળ એટલે સૂર્ય સામે શરૂ થયેલું યુદ્ધ !’
અલ્યા ભઈ, તમે નિશાળમાં ભૂગોળ-બુગોળ ભણ્યા છો કે નહીં ? ઉપર સુરજદાદા બરાબર ગરમ થયા ત્યારે જ તો દરિયાનાં પાણીમાંથી વાદળ બન્યાં !
અને હમણાં આવાં યુદ્ધનાં રણશીંગાં ફૂંકો છો પણ જ્યારે ધોધમાર વરસાદ તૂટી પડશે ત્યારે તો ડરપોકની જેમ પૂંછડી દબાવીને ઘરમાં ભરાણા હશો !
અને હા, આજકાલ તો તમારી પ્રેમિકાને મનાવતા હોય એવા લટુડાપટુડા કરતા મેસેજો મોકલો છો પણ હું વરસાદની ધબધબાટી બોલાવી દઈશ ત્યારે તમે નકરી તોછડાઈ પર ઉતરી આવશો કે ‘બોસ ! ટાંકીનો નળ ખુલ્લો રહી ગયો છે ! એ બંધ કરો ! અહીં ગટરો ઉભરાય છે !’
ટુંકમાં, આવું બધું ફોરવર્ડ કરવાનું બંધ કરો… નહિતર હું ‘વાદળો’ ફોરવર્ડ કરવાનાં બંધ કરી દઈશ ! સમજ્યા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment