હજી અમુક લોકો માને છે કે દેશમાં હેટ સ્પીચની હદ આવી ગઈ છે, મોંઘવારીની હદ આવી ગઈ છે, ડર્ટી પોલિટીક્સની હદ આવી ગઈ છે…
પણ અમુક હદ હજી પણ ખુબ જ ‘મનોરંજક’ છે ! દાખલા તરીકે…
***
આળસની હદ
વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે ઘડિયાળમાં 10 વાગ્યાનું એલાર્મ મુકવું… એ પણ ‘સાયલેન્ટ મોડ’માં !
***
કરકસરની હદ
કિચનમાં લાગેલી આગ માટે ફાયર બ્રિગેડમાં ‘મિસ-કોલ’ મારવો !
***
નવરાશની હદ
બિયર સાથે ખાવા માટે મંગાવેલા મન્ચિંગનાં પાંચ અલગ ટાઇપનાં ચવાણાનાં પેકેટો ખોલીને, એમાંથી બધુ કાંઢીને, પછી શાંતિથી બધુ અલગ અલગ છુટું પાડીને અલગ અલગ પ્લેટોમાં ગોઠવે અને પાર્ટી પતી ગયા પછી ગણી કાઢે કે કેટલા ટકા મૂઠદાળ વધી અને કેટલા ટકા શીંગ ભૂજિયા ખવાઈ ગયાં…
***
ભોળપણની હદ
‘યોર કોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અસ’… એવું વીસ મિનિટ સુધી સાંભળ્યા પછી પણ પોતાની જાતને ‘ઇમ્પોર્ટન્ટ’ સમજવી !
***
ટેકનોલોજી ઉપર ભરોસાની હદ
‘ગુગલ મેપ’માં સાંભળવા મળતી સુચનાઓનું ચૂસ્તપણે પાલન કરીને કાર ગટરના ખાડામાં હંકારી દેવી !
***
ઓનલાઈન શોપિંગની હદ
‘શાદી ડોટ કોમ’માં જઈને યુવતીની પસંદગી કરતાં પહેલાં તેનાં ‘યુઝર્સ રેટિંગ્સ’ ચેક કરી લેવાં !
***
અમદાવાદીપણાની હદ
કેશ-ઓન-ડિલીવરીના બોય સાથે ભાવતાલની રકઝક કરવી કે ‘ચલ, આ ખોખું તને પાછું આપું તો તું કેટલા રૂપિયા ઓછા કરે?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment