જોઈએ છે : આજના જંગલમાં...

એક તણખા વડે આખા જંગલમાં આગ ફાટી નીકળે તેમ માત્ર એક નિવેદન વડે આખું જંગલ ભડભડ થઈ રહ્યું છે !

આવા સંજોગોમાં અમુક ટચૂકડી યાને કે ‘વોન્ટેડ’ જાહેરખબરો આવવાની સંભાવના છે ! જેમ કે…

*** 

જોઈએ છે : ભસનારા અને ભૂંકનારા
માઈક વિના અથવા માઈક સાથે સતત ભસી શકે અને ભૂંકી શકે એવાં તત્વોની લાંબા ગાળા માટે જરૂર છે. અરજદારોએ પોતપોતાના વિસ્તારમાંથી છેક અમને સંભળાય એવા અવાજે ભસી/ભૂંકીને ઘોંઘાટ ચાલુ રાખવાનો છે.

*** 

જોઈએ છે : ખેદાન મેદાન કરનારા વાનરો
કોઈપણ જાતના ઈશારા વિના ‘સ્વંયભૂ’ રીતે કૂદાકૂદ કરીને ચારે બાજુ તોડફોડ, ધમાચકડી મચાવીને બધું ખેદાન મેદાન કરનારાઓની મોટા પાયે ભરતી નીકળી છે. જલ્દી કરો…

*** 

પોપટો પણ જોઈએ છે
પઢાવેલું બોલે, સતત એકનું એક બોલે અને એ સિવાય બીજું કંઈ ના બોલે એવા પોપટ ભારે સંખ્યામાં જોઈએ છે. પોતપોતાના મોબાઈલ સાથે ઓનલાઈન ગોઠવઈ જાવ ! 

ખાસ નોંધ : કામ કરવા બદલ માત્ર ગાજર જ મળશે પરંતુ 24 કલાક ઓનલાઈન હાજર રહેવું પડશે.

*** 

જોઈએ છે : ચશ્માવાળા ઘુવડો
ધોળા દિવસના અજવાળામાં કશું જ ન જોઈ શકે છતાં રાતના અંધારામાં ચશ્મા ચડાવીને દૂધમાંથી પોરા કાઢી બતાવે તેવા એક્સ્પર્ટ, જ્ઞાની અને શબ્દચતૂર ઘુવડોની તો ખાસ જરૂર છે. પોતપોતાના લાંબાલચક બાયોડેટા ગળે લટકાવીને હાજર થઈ જાવ.

*** 

ઘેટાં-બકરાં સપ્લાયરો ધ્યાન આપે
સતત ભીડમાં રહે, જ્યાં લઈ જાય ત્યાં આવે, કાં તો મુંગા રહે અથવા સતત ‘બેંબેં’ કરવા સિવાય કશું ન બોલે એવાં સારી ક્વોલિટીનાં ઘેટાં-બકરાં સપ્લાય કરનારા એજન્ટો તાત્કાલિક સંપર્ક કરે… સિઝનની તેજીનો લાભ લઈ લો. આવો મોકો ફરી નહીં મળે.

***

- મન્નુ શેખચલ્લી

Comments