અમુક સંશોધનો એવાં હોય છે કે એના વિશે આખેઆખા ન્યુઝ વાંચ્યા પછી ધીમે રહીને આપણને ‘ટ્યુબ-લાઈટ’ થતી હોય છે ! જેમકે…
***
ધરતીકંપમાં ધરાશયી થતાં મકાનોનું રહસ્ય ખુલ્યું
ધરતીકંપ વખતે મકાનો શા માટે પડી જાય છે ? શું તે ધરતીના પેટાળની ધ્રુજારીને કારણે ધરાશયી થાય છે ? કે પછી મકાનો જે મટિરીયલ વડે બાંધવામાં આવે છે તે મટિરીયલો કારણભૂત છે ?
જાપાનમાં અમસ્તા ફરવા આવેલા એક સંશોધકે શોધી કાઢ્યું છે કે મકાનોના ધરાશયી થવા પાછળનું કારણ ગુરુત્વાકર્ષણ છે. આ જ્ઞાની સંશોધકે બિલ્ડરોને સલાહ આપતાં કહ્યું છે કે જો તમે મકાનોને ધરાશયી થતાં બચાવવા માગતા હો તો એવા વિસ્તારમાં મકાનો બાંધો જ્યાં ગુરુત્વાકર્ષણ ના હોય.
***
આવનાર વિશ્વયુદ્ધ માટે ચીનની ભેદી ચાલ
ચીન તેની ખતરનાક અને ભેદી ચાલ માટે દુનિયાભરમાં પંકાયેલું છે. પરંતુ હાલમાં જ તેની એક ગુપ્ત ચાલાકી ઉઘાડી પડી ગઈ છે. અમેરિકન સંરક્ષણ સંસ્થાઓને બેનામી ઇમેલ વડે અવારનવાર ચેતવણી આપનાર એક ગુપ્ત સંશોધકે ચીનની એક ભેદી ચાલ ઉઘાડી પાડી દીધી છે. વરસોના સંશોધન પછી તેણે શોધી કાઢ્યું છે કે ચીન તેની લડાકુ સબમરીનોને દરિયાના પાણીમાં છૂપાવીને બેઠું છે. જેથી આકાશમાં ઉડતાં અમેરિકન વિમાનોને તે દેખાય જ નહીં.
***
ચોંકાવનારું સંશોધન : બાળમરણો ક્યારે ઘટી જાય છે ?
અફઘાનિસ્તાન યુનિવર્સિટીના માનવ સંશોધન વિભાગના બાર વિદ્યાર્થીઓએ એક વિશ્વવ્યાપી સરવે કરીને બાળમરણ ઘટાડવાનો સાવ નવો જ નુસખો શોધી કાઢ્યો છે. આ સરવે મુજબ બાળકની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ બાળમરણની ટકાવારી ઘટતી જાય છે. એટલું જ નહીં, 60 વરસની ઉંમર પાર કર્યા પછી તો તેની ટકાવારી શૂન્ય કરતાં પણ ઓછી થઈ જાય છે. વિદ્યાર્થીઓની ભલામણ છે કે બાળકોને બાળમરણથી બચાવવા માટે તેમને મોટાં થવા દેવાં જરૂરી છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment