ઉનાળાના અવળચંડા નિયમો !

સરકારનું હવામાન ખાતું પણ જેને શોધી નથી શકતું એવા કેટલાક અવળચંડા નિયમો અમે આકરી રિસર્ચ પછી શોધી કાઢ્યા છે ! જુઓ…

*** 

નિયમ (1)
શહેરનું ટેમ્પરેચર જ્યારે સૌથી વધારે હોય એ જ દિવસે બપોરે તમારા સ્કુટરમાં પંચર પડે છે !

*** 

નિયમ (2)
જ્યારે જ્યારે ભરબપોરે પંચર પડે ત્યારે પંચરની દુકાન મિનિમમ 3 કિલોમીટર દૂર હોય છે !

*** 

નિયમ (3)
ઉનાળામાં હેલ્મેટ પહેરવાથી ખોપડી વધારે ગરમ થાય છે કે વિધાઉટ હેલ્મેટનો દંડ ભરવાથી વધારે ગરમ થાય છે… તે વૈજ્ઞાનિકો કદી શોધી શકશે નહીં !

*** 

નિયમ (4)
ઉનાળામાં એસી કાર ચલાવનારો બે જ સંજોગોમાં કારનો કાચ નીચો કરે છે. એક માવો થૂંકવા માટે અને બે, ઓવરટેક કરનારને ગાળો દેવા માટે !

*** 

નિયમ (5)
જે દિવસે બોસની કેબિનનું એસી બગડેલું હોય એ દિવસે બોસનું દિમાગ પણ બગડેલું હોવાની સંભાવના 90 ટકા હોય છે !

*** 

નિયમ (6)
વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીઓના ઇન્ટરનેટનું નેટવર્ક ઉનાળાની બપોરે 1 થી 4માં સાવ ખરાબ હોવાની સંભાવના 99 ટકા હોય છે !

*** 

નિયમ (7)
85 ટકા અમદાવાદીઓ પૈસાદાર થયા પછી પણ આઇસ્ક્રીમના કપ ઉપરનું ઢાંકણું ચાટ્યા વિના રહી શકતા નથી !

*** 

નિયમ (8)
પિયર ગટેલી પત્નીએ કરેલા વિડીયો કોલમાં ‘કેમ છો ભાભી !’ કહીને ‘ભૂલથી’ બિયરની બાટલીઓ દેખાડી દેતા ભાઈબંધોની દાનત 100 ટકા ખરાબ જ હોય છે ! લખી રાખજો.

***

- મન્નુ શેખચલ્લી

Comments