દેશના ખૂબ જાણીતા એક પત્રકાર-સંપાદકનું સૂચન છે કે કોંગ્રેસે હવે ટકવું હોય તો પોતાની સાવ નવી ‘બ્રાન્ડ’ લોન્ચ કરવી પડશે ! આ વાંચીને અને પણ અમુક ‘ન્યુ બ્રાન્ડ’ બ્રાન્ડ્ઝનાં સૂચનો સૂઝી રહ્યાં છે !
***
બ્રાન્ડ : પરિવાર કોંગ્રેસ
હાલમાં જે છે એ જ ! પરંતુ હવે ઠેર ઠેર માત્ર અને માત્ર સોનિયાજીનાં જ ફોટો અને વિડીયો હશે.
સ્લોગન : માં કે હાથ કી મીઠાસ
***
બ્રાન્ડ : મનોરંજક કોંગ્રેસ
આ રાહુલબાબાની અલગ અને ફ્રેશ ક્વોલીટીની બ્રાન્ડ હશે ! જેમાં પપ્પુ જોક્સ, પપ્પુ ક્વોટ્સ અને પપ્પુ લોચા-લાપસી વડે પ્રજાનું ભરપૂર મનોરંજન થતું રહેશે !
સ્લોગન : ઇસ કો લગા ડાલા તો લાઈફ ઝિંગાલાલા !
***
બ્રાન્ડ : લાઇફ ઇન્શ્યોરન્સ કોંગ્રેસ
આના ૨૩ બ્રાન્ડ એમ્બેસેડરો હશે ! જી હા, એ જ ઘરડા, ખખડી ગયેલા, થાકેલા પાકેલા 23 નેતાઓ ! આમાં જોડાવાથી તમારો જીવનવીમો પણ ફટાફટ પાકી જશે ! જલ્દી કરો..
સ્લોગન : જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી !
***
બ્રાન્ડ : પક્ષપલટુ કોંગ્રેસ
ચૂંટણી પહેલાં, ચૂંટણી પછી કે ચૂંટણી વિના જે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાવા તલપાપડ હોય છે એમની જ આ નવી બ્રાન્ડ છે !
સ્લોગન : જી લલચાયે, રહા ન જાયે !
***
બ્રાન્ડ : બોલતી કોંગ્રેસ
આ તો સૌને ચોંકાવી દેનારી બ્રાન્ડ હશે ! કેમકે અહીં સૌને જે બોલવું હોય તે બોલવાની આઝાદી હશે ! બોલો, ધમ્માલ મચી જશે ને ?
સ્લોગન : સીધી બાત, નો બકવાસ
***
બ્રાન્ડ : આરામખોર કોંગ્રેસ
જોકે માર્કેટમાં તો આ જ બ્રાન્ડ પડી પાથરી રહેવાની છે ! અહીં સૌ શાંતિથી બગાસાં ખાતાં ખાતાં પતાસાંની રાહ જોતા હશે…
સ્લોગન : યે આરામ કા મામલા હૈ !
***
બ્રાન્ડ : આમ આદમી કોંગ્રેસ
આ બધા કેજરીવાલ સાથે હાથ મિલાવશે !
સ્લોગન : યે તો બડા 'ટોઇંગ' હૈ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment