હાસ્યનો એક પ્રકાર ‘વન-લાઇનર’ છે. જેમાં એકાદ-બે વાક્યમાં તમે રમૂજ કરાવી શકો છો. પરંતુ આ ગરમીમાં તો ‘વન-લાઇનર્સ’ પણ ‘બર્ન-લાઇનર્સ’ બની ગયાં છે ! જુઓ…
***
સુરજદાદાનું ખાતું જરા વિચિત્ર જ લાગે છે. જુઓને, જ્યારે કોલેજોમાં વેકેશન પડી જાય છે ત્યારે એ ‘ડીગ્રીઓનો’ કારોબાર ચાલુ કરે છે !
***
આજકાલ સૌથી કમનસીબ માણસ એ છે જેને ચા ઠંડી જ મળે છે અને પાણી ગરમ !
***
લોકોએ મ્યુનિસિપાલિટીનો આભાર માનવો જોઈએ કે તે ગરમ પાણીનો એકસ્ટ્રા ચાર્જ નથી લગાડતી !
***
ગઈકાલે જ મેં એક ‘ભક્ત’ને વિનંતી કરતાં સાંભળ્યો. એ કહેતો હતો ‘મોદીજી, હાલમાં તો સ્કુટરની ગરમ સીટ ઉપર રોટલી શેકીને પૈસા બચાવી લઈએ છીએ પણ ચોમાસુ આવે ત્યાં સુધીમાં ગેસના બાટલાનો ભાવ જરા ઘટાડજો, પ્લીઝ !’
***
રવિવારે મધર્સ-ડે હતો. સોમવારે ઓફિસ-ડે હતો. રવિવારે લોકો ઘરમાં હતા અને ‘મારી માં…’ ‘મારી માં….’ કરતા હતા. પણ સોમવારે ગરમી અને ટ્રાફિકને કારણે ‘તારી માં… તારી માં…’ કરતા થઈ ગયા હતા !
***
આવી ગરમીમાં જે વરરાજા બંધ ગળાનો જોધપુરી કોટ પહેરીને ભરતડકે ઘોડી ઉપર બેસીને પરણવા જાય છે તેનું પરાક્રમ આજે મહારાણા પ્રતાપથી જરાય કમ નથી !
***
તમારે FREEમાં FREE DANCING શીખવું છે ? મારા ઘરના ધાબા ઉપર બૂટ-ચંપલ પહેર્યા વિના આવો… સમય : બપોરે 1 થી 3.
***
ગ્લોબલ વોર્મિંગના સેમિનારો થાય છે તે સારી વાત છે પણ એક જ વાર એ સેમિનાર અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં બપોરે ખુલ્લામાં કરી બતાડો તો ખરા ! શું કહો છો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment