આજકાલ બરફગોળો ખાવાની કળા વધુ ને વધુ અઘરી થતી જાય છે. એક જમાનામાં બરફગોળો જ કેવો મજબૂત બનાવટનો આવતો હતો !
પેલો બરફગોળાવાળો વાંસની સવા ત્રણ ઇંચ લાંબી સળી ઉપર, સુથારના રંધા વડે છોલેલા બરફની સવા સત્તર ગ્રામ જેટલી છીણને, પતરાનાં બે બીબાંને પોતાની બે મજબૂત હથેળીમાં લઈને, પુરી તાકાતથી, કચકચાવીને મિનિમમ 60lbના પ્રેશર વડે એવું જબરદસ્ત રીતે દબાવી આપતો કે એની ઉપર પેલા શરબતના બાટલામાંથી કોઈ ઉંદરડીએ પેશાબ કર્યો હોય એટલી જ માત્રામાં જે રંગીન પ્રવાહી રેડી આપતો… તેને માત્ર સાડા છ વાર ચૂસ્યા પછી ગોળાનો કલર સફેદ જ રહી જતો !
છતાં, મારા સાહેબો, એ ‘ગોળાને’ ચૂસી ચૂસીને ‘લખોટા’ જેવો અને છેવટે ‘લખોટી’ જેવો કરી નાંખવા છતાં તે વાંસની સળીને સંપૂર્ણ વફાદારી સાથે ચીટકીને રહેતો હતો !
અરે, અમારા જેવા અમુક ‘અમદાવાદી સ્વભાવ’નાં બાળકો તો છેલ્લે એ સળીને પણ સાત મિનિટ સુધી ચૂસ્યા કરતા હતા ! (અમુક તો ચાવી પણ જતા.) માત્ર દસ પૈસાના બરફગોળામાંથી આટલો ‘રસ’ અને ‘કસ’ કાઢવાનું ‘આર્થિક શિક્ષણ’ અમને બાળપણથી જ મળતું હતું.
આજે બધા સમૃધ્ધ થઈ ગયા છે. બરફગોળા પણ વિકાસ કરી ગયા છે. એ જમાનામાં બપોરના બળબળતા તાપ પછીની ઉકળાટભરી સાંજે જનતાને શાંતિની પળો વહેંચવા માટે બરફગોળાની લારીઓ પ્રજા સુધી ‘જનસપંર્ક’ કરવા જતી હતી.
તેના બદલે હવે રાતના સમયે, જ્યારે ઓલરેડી હવામાં ઠંડક પ્રસરી ચૂકી હોય છે, ત્યારે સમૃદ્ધ, વિકસિત જનતા પોતાના એસી એપાર્ટમેન્ટોમાંથી નીકળીને, પોતાની એસી કારમાં બેસીને, હાઈ-ફાઈ એરિયામાં કોઈ ફેમસ બરફગોળા સેન્ટર પાસે જઈને લાંબા લચક મોંઘા મેનુમાં જોઈને ઠંડક મેળવવાના ‘ઓર્ડર’ આપે છે !
અહીં પ્રોબ્લેમ એ થાય છે કે બરફગોળાઓ જે અગાઉ બે બીબાંમાં ભારે દબાણ હેઠળ વાંસની સળીને ચોંટીને આવતા હતાં તેના બદલે કાચના ગ્લાસમાં આવે છે ! એમાં સળીને બદલે પેલું આઇસ્ક્રીમ ખાવાનું ચપ્પટ ‘ચપલું’ હોય છે ! ઉપરથી શરબત એટલું છૂટથી રેડેલું હોય છે કે બરફના છીણ વચ્ચે કોઈ પ્રકારનું ‘સામાજિક બોન્ડિંગ’ જ રહેતું નથી ! ચપલું ચાર જ ‘ચૂસણીમાં’ છૂટું પડી જાય છે !
ગોળો ગોળ ન રહેતાં ફેલાઈને ઢગલો બની જાય છે ! (એટલા માટે જ તમને ગોળો ‘ડીશ’માં આપે છે ! આવનારા સમયમાં તમે એવા ઓર્ડર પણ સાંભળશો કે ‘ચાર ડીશ ચોકલેટ – લેમન ગોળા આવવા દેજો.’)
અગાઉ જ્યાં ગોળા ચૂસવાની કળામાં નીચે હથેળી ને ધરી રાખવાની જે ‘એક્સ્પર્ટી’ હતી એની તો આજે કોઈ વેલ્યુ જ ના રહી ને ? ઉપરથી તમારે કોઈ ભિક્ષુકની મુદ્રામાં એક હાથમાં ડીશ ઝાલી રાખવાની અને બીજા હાથમાં દદડતું જામ ! (યાને કે દદડતો બરફગોળો) આમાં પણ જો તમે તમારી જાતને મોટા પાણીપુરી એક્સ્પર્ટ માનતા હો તો ખાંડ ખાજો. (કેમ કે અહીં ‘ખાંડ’ ચૂસવાની છે ! એ પણ એક જ ચૂસ્કીમાં 500 કેલેરીના હિસાબે !)
અહીં તમે બે પગ પહોળા કરીને, ગરદન આગળની તરફ ખેંચીને, ડીશને પ્રોપર ભિક્ષામુદ્રામાં ધરીને, ગમે એટલી ‘વેક્યુમ એનર્જી’ પેદા કરીને ગોળામાં રહેલા શરબતને ચૂસવાની કોશિશ કરતા હો, છતાંય તમારા હોઠની સાઈડમાંથી તો પ્રવાહી દદડી જ જવાનું ! જે છેવટે તમારા શર્ટ અથવા કુર્તા ઉપર એ રીતે રેલાઈને ડાઘા પાડશે કે જાણે તમે હમણાં જ હિંમતનગરના કોમી રમખાણમાંથી પોલીસને સાતતાળી આપીને ભાગી છૂટ્યા હો !
ટ્રેજેડી અહીં પુરી નથી થતી. ડીશમાં દદડીને ભેગું થયેલું શરબત, જેમાં થોડું બરફનું છીણ પણ છે, તેને પીવા મટે તમે 1965માં ચ્હા પીતા હતા, એ જ પધ્ધતિથી મોટા અવાજે ‘સબડકા’ લગાવો છો ! હવે બોલો, આમાં બરફગોળો ચૂસવાની કળાનું તો ખૂન જ થઈ ગયું ને ?
અને હા, એ લોકો આવું બધું ‘લૂછવા’ માટે ટીશ્યુ પેપર પણ નથી આપતા.
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment