બોલો, હવે તો બિલાડીઓને પણ ડાયાબિટિસ થાય છે ! પ્રાણીઓના ડોક્ટરો કહે છે કે ઘરમાં પાળેલી બિલાડીઓ આખો દહાડો ખા ખા કરે છે અને કોઈ જાતની કસરત કરતી નથી એમાં જ એમને ડાયાબિટિસ થઈ જાય છે !
આવી જ એક બિલાડીનો અમે એક્સ્ક્લુઝિવ ઇન્ટરવ્યુ લીધો છે ! સાંભળો…
***
‘હાય !’ અમે કહ્યું.
‘મ્યાંઉં !’ એણે એની ભાષામાં હાય કહ્યું. અમે પૂછ્યું :
‘તને ડાયાબિટિસ છે એની તને પહેલીવાર શી રીતે ખબર પડી ?’
‘કીડીઓથી !’
‘કીડીઓથી ? શી રીતે ?’
‘મારા પેશાબ ઉપર કીડીઓ ભેગી થઈ જતી હતી !’
‘યુ મિન ફ્લોર ઉપર ?’
‘ના મારા પેશાબ કરવાની જગ્યાએ !’
‘ઓહ ! એટલે જ તેં ભોજનમાં શ્યુગર ઓછી કરી નાંખી છે ?’
‘હા, પણ એનાથી મારી ઇમેજ બગડી ગઈ છે.’
‘કઈ રીતે ?’
‘પહેલાં લોકો મને ‘સ્વીટી’ કહીને બોલાવતા હતા, હવે મને ‘શ્યુગર ફ્રી’ કહે છે !’
‘ઓ વાઉ ! સો સ્વીટ !’
‘કશું ય સ્વીટ નથી. મારી માલકિન દર મહિને મને જાતજાતનાં ટોણાં મારે છે !’
‘કેમ ?’
‘કેમ કે દર મહિને મારું શ્યુગર ચેક કરવા માટેનું યુરિન સેમ્પલ એણે લેવાનું હોય છે !’
‘અચ્છા, તો ઉંદરડાઓના વર્તનમાં કોઈ ફેર પડ્યો ખરો?’
‘એ શયતાનો છે !’
‘કેમ ?’
‘એમને ખબર પડી ગઈ છે કે હું ગળી ચીજો ખાઈ શકતી નથી. એટલે મારા બેટાઓ ગળ્યા શરબતમાં ડૂબકી મારીને આવે છે અને મારી આજુબાજુ ઉછળી-કૂદીને ડાન્સ કરી બતાડે છે !’
‘છતાં, ડાયાબિટિસનો કંઈ ફાયદો થયો ખરો ?’
‘હા, હવે હું શ્યુગર-ફ્રી કેટ-ફૂડ માટે મોડલિંગ કરવાની છું !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment