કાનખજુરા, કાચબા અને ક્રિકેટ !

IPLની મેચો જોતાં અમુક લોકો સવાલ કરે છે કે જોયું ? લોકો મહિલા ક્રિકેટને તો યાદ પણ નથી કરતા !
અમે કહીએ છીએ કે પ્રાણીઓ અને જંતુઓને પણ કોણ ક્રિકેટ રમાડે છે ? જુઓ…

*** 

કાનખજુરાઓ કેમ કદી ક્રિકેટ નથી રમતા ?
- શી રીતે રમે ? બિચારાઓ પોતાના પચાસ પચાસ પગ ઉપર પેડ ક્યારે બાંધી રહે ?

*** 

હાથીઓને કેમ ક્રિકેટ નથી રમાડતા ?
- કારણ કે એ લોકો કદી પોતાના ચારે ચાર પગ ક્રીઝમાં એકસાથે રાખી શકતા જ નથી !

*** 

અને કરોળિયાઓ કેમ ક્રિકેટ નથી રમતા ?

- થોડો પ્રોબ્લેમ છે. આઠ પગમાંથી કયા બે પગમાં પેડ પહેરવાં, કયા બે પગે બેટ પકડવાનું અને બાકીના ચાર પગનું શું કરવું એ હજી નક્કી કરી શકતા નથી.

*** 

તો પછી કરચલાઓને ક્રિકેટ રમાડ્યું હોય તો ?

- ટ્રાય કરી જોયેલો ! પણ હંમેશાં થાય છે શું, કે એક કરચલો મેદાનમાં રમવા માટે ઉતરે, ત્યાં તો બીજા દસ કરચલા એના ટાંટિયા ખેંચીને પાછો પેવેલિયનમાં ખેંચી લાવે છે !

*** 

ઓસ્ટ્રેલિયામાં કાંગારુને પણ કેમ ક્રિકેટમાં નથી લેતા ?

- કાંગારૂઓને ટીમમાં લેતા હતા, પણ ત્યાં બિચારાઓને હંમેશા બારમા ખેલાડી જ બનાવે છે ! કારણ કે કાંગારુના પેટની થેલીમાં પાણી, જ્યુસની બોતલો, નેપકીન, ગ્લોવ્ઝ, વધારાંના બેટ… વગેરે આસાનીથી મુકી શકાય છે !

*** 

કીડીઓને તો ક્રિકેટ રમાડો ? એમનો શું વાંક છે ?

- વાંક ? અરે ભાઈ, એકવાર એમની આખી ટીમ બનાવી આપી હતી ! પણ મેચની આગલી રાત્રે જ હજારો કીડીઓએ આવીને પિચમાં દર બનાવી નાંખ્યાં !

*** 

અને કાચબાઓ ? એ કેમ ક્રિકેટ નથી રમતા ?

- રમે છે સાહેબો ! કાચબાઓ ‘ટેસ્ટ-મેચ’ રમે છે !

***

-મન્નુ શેખચલ્લી

Comments