સાંભળો, યુક્રેન-નાટો સંવાદ

યુક્રેન : ‘અરે સાંભળો ! રશિયા અમારી ઉપર ચડાઈ કરવાની ધમકી આપે છે !’

નાટો : ‘તું ચિંતા ના કરીશ... અમે બેઠા છીએ ને !’

યુક્રેન : ‘અરે ! આ તો રશિયાએ અમારી ઉપર ચડાઈ કરી દીધી ! બચાવો ! બચાવો !’

નાટો : ‘ચિંતા ના કરો… અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ…’

યુક્રેન : ‘પણ અહીં તબાહી મચી ગઈ છે…’

નાટો : ‘ગુડ ! ઘાયલ નાગરિકો અને તૂટી ગયેલાં સળગતાં મકાનોના ફોટા મોકલી આપો ! અમે આખી દુનિયાને બતાડીશું !’

યુક્રેન : ‘અહીં રશિયા સામે લડવા માટે અમને કોઈ મદદ કરો… 24 દેશોમાંથી કોઈ મદદ કરવા આવતું નથી…’

નાટો : ‘અમે તારી સાથે જ છીએ ! જો, તમારા દેશના ઝંડાની કલર સ્કીમથી અમારાં બિલ્ડીંગ ઉપર રોશની કરી છે !’

યુક્રેન : ‘ખાડામાં ગઈ રોશની ! અહીં યુક્રેન આખું બરબાદ થઈ રહ્યું છે.’

નાટો : ‘રશિયા છે જ એવું ! પુતિન ઘમંડી છે, રશિયા આક્રમણખોર છે ! અને સાંભળ, રશિયામાં પણ પુતિનનો વિરોધ થઈ રહ્યો છે !’

યુક્રેન : ‘રશિયામાં શું ચાલે છે એની ક્યાં માંડો છો ? અહીં મારે જાતે જ લડાઈમાં ઉતરવું પડ્યું છે.’

નાટો : ‘તમે હેલ્મેટ કેમ નથી પહેરી ? અમને તમને 10,000 હેલ્મેટો મોકલી રહ્યા છીએ.’

યુક્રેન : ‘હેલ્મેટો નહીં, હથિયારધારી સૈનિકો મોકલો ! અહીં બિચારા નાગરિકોએ યુધ્ધમાં ઉતરવું પડ્યું છે !’

નાટો : ‘સરસ ! એમના ફોટા મોકલો ! આખી દુનિયા તમારી બહાદુરીનાં વખાણ કરી રહી છે ! બ્રાવો ! બ્રાવો ! તાલિયાં !!!’

યુક્રેન : ‘રશિયા પરમાણુ શસ્ત્રની ધમકી આપે છે.’

નાટો : ‘અમે રશિયાને UNમાં ધમકાવી નાંખ્યું છે.’

યુક્રેન : ‘અમારી પથારી ફરી જશે… સમજતા કેમ નથી ?’

નાટો : (એકબીજાને તાળી આપતાં) ‘મઝા આવી ગઈ… પુતિન અને રશિયાને બદનામ કરવાની કેવી જોરદાર તક મળી ગઈ… ! પથારી તો પુતિનની ફરી જશે ! તમ તમારે ચાલુ રાખો… બ્રાવો ! બ્રાવો !’

***

- મન્નુ શેખચલ્લી

Comments