પેલા ફેક-ન્યુઝમાં લોકોને બહુ મઝા પડતી હતી કે પાકિસ્તાન રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો મુકવા માટે તેણે લીધેલી 20 બિલીયન રૂબલની લોન હવે ચૂકવશે નહીં !
આવા જ થોડા નવા ફેક-ન્યુઝ આવી રહ્યા છે ! સાંભળો…
***
યુક્રેનની બ્યુટિ ક્વીન ‘મિસ યુક્રેન’ ત્યાં યુધ્ધ લડવા માટે ગલીઓમાં ઉતરી પડી છે એ સમાચાર સાંભળ્યા પછી આસારામ બાપુએ ઇચ્છા વ્યક્ત કરી છે કે તે યુક્રેન જઈને યુધ્ધ કરવા માગે છે !
***
અફઘાનિસ્તાનની તાલિબાની સરકારના સંરક્ષણ મંત્રીએ પુતિનને સલાહ આપી છે કે ખૂન ખરાબાથી કોઈ ફાયદો થવાનો નથી. શાંતિ એ જ સાચો માર્ગ છે.
***
યુક્રેનને યુધ્ધમાં મદદ કરવા માટે ભારતના 50 બુધ્ધિજીવી વિમાનમાં બેસીને યુક્રેન બોર્ડર જવાના હતા પરંતુ પરવાનગી ન મળતાં તેઓ હવે સિંધુ બોર્ડર ઉપર દેખાવો કરશે.
***
ભારતની વિખ્યાત ન્યુઝ ચેનલ તેના રિપોર્ટરોને યુક્રેનમાં જ્યાં યુધ્ધ ચાલી રહ્યું છે, ડાયરેક્ટ ત્યાં જ મોકલશે. આ માટે તેઓને યુક્રેનની ભાષા શીખવાડી રહ્યા છે. જેમાં સૌથી પહેલાંએ શીખશે કે યુક્રેનિયન ભાષામાં ‘કૈસા લગતા હૈ ?’ કેવી રીતે બોલાય !
***
અક્ષયકુમારે તેનો વિચાર બદલ્યો છે. હવે તે યુક્રેન પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીની બાયો-પિક બનાવશે. એમાં ઇન્ટરવલ સુધી સ્ટેન્ડ અપ કોમેડી હશે અને ઇન્ટરવલ પછી વોર હશે.
આ ફિલ્મ રોહિત શેટ્ટી ડિરેક્ટ કરશે કેમકે એની બન્નેમાં માસ્ટરી છે ! પરદા ઉપર પહેલી વાર ટેન્કો હવામાં ગુલાંટો ખાતી જોવા મળશે !
***
રાજકોટના શાંતિલાલે પણ વિચાર બદલ્યો છે. અગાઉ તે પુતિનને યુધ્ધ નહીં કરવા માટે ફોન કરવાના હતા પણ એમનું બેલેન્સ પતી ગયું હોવાથી વિચાર માંડી વાળ્યો છે !
વધુ ફેક-ન્યુઝ માટે અહીં જોતા રહો… ધન્યવાદ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment