તમારા હરામ-સફરો !

કારમાં તમારી સાથે કેવા કેવા હમસફર બેસે છે એનાથી જ નક્કી થતું હોય છે કે તમે ગુજરાતીમાં ‘સફર’ કરો છો કે અંગ્રેજીમાં ‘Suffer’ કરો છો ! યાદ કરો એ હરામસફરોને…


કાનમાં વટાણા : સીટમાં બેઠા નથી કે આજના ટીનએજરો તમારા જેવા કાકાઓ અને કાકીઓ સાથે વાતો ના કરવી પડે (અને એમના લવારા સાંભળવા પણ ના પડે) એટલા માટે કાનમાં પેલાં વટાણાં જેવડાં ઇયરપ્લગ ખોસી દે છે.

છતાં અમુક ડોબાકાકાઓ એમનાં માથાં હલતાં જોઈને એમ સમજી બેસે છે કે તેઓ તમારી દિમાગચાટુ શીખામણમાં ‘હા’ પાડી રહ્યા છે !

મોંમા મગ : જો કારની મ્યુઝિક સિસ્ટમ બગડી ગઈ હોય અને FM રેડિયો પણ ના પકડાતો હોય તો આ પ્રજા આખી મુસાફરીને હરતા-ફરતા બેસણામાં ફેરવી શકે છે !

તમે એમની આગળ ભલભલા બ્રેકિંગ ન્યુઝ ટ્રાય કરી જુઓ, જેમકે ‘ફલાણી માસીની છોકરી ઘર છોડીને ભાગી ગઈ’ અથવા ‘ઢીંકણાભાઈને તો એમની પાડોશણ જોડે લફરું નીકળ્યું…’ તોય આ પ્રજા માત્ર ‘એમ?’ એટલું રિ-એક્શન આપીને ફરી મોંમાં ભરેલા મગ જીભ વડે ગણવા બેસી જશે.

મોંમાં મસાલા : આ પ્રજા તો ઓર ખતરનાક છે. એ લોકો તમાકુના મસાલાને મગની જેમ નહીં પણ લાયસન્સની જેમ રાખે છે. જીહા, આ એમનું બારી પાસે બેસવાનું લાયસન્સ છે !

દેશની મોટાભાગની બસો અને ટ્રેનના ડબ્બા રંગવાનો એમણે મફતના ભાવે કોન્ટ્રાક્ટ લીધો હોય છે. એટલું જ નહીં, એ જ્યારે તમારી સાથે નીચલો હોઠ બીડીને ઉપલો હોઠ અડધો ખોલીને ડિક્શનેરીમાં ગોત્યા ના જડે એવા ઉચ્ચારો કરીને જે જુજ શબ્દો બોલે છે ત્યારે તમારા કપડાં પણ ફ્રીમાં રંગી આપે છે.

ગુગલ-મેપના બાપ : ‘તમે મને પૂછો ને, આંયાંથી શોર્ટ-કટ પડશે’ ‘આગળથી રાઈટમાં જાવને તો મોટી બજાર આવે, ન્યાં હંધીય દુકાનવાળા આપણને ઓળખે હોં !’ ‘આ એરિયા તો મારા બાપનો..’  ‘ફાફડા તો હું કંઉં ન્યાંના જ ખવાય…’ ‘ઓલ્યો પેટ્રોલપંપવાળો ચોરના પેટનો છે હોં…?’ સતત એની કોમેન્ટ્રી ચાલતી જ હોય !

છેલ્લે ઉતરતી વખતે ય ડિટેલમાં સમજાવતા જાય, ‘ઓલ્યા ટાવરની બાજુની ગલીમાં જે ટેલરની દુકાન છે ને, એનાથી ચોથી જ ગલીમાં, ત્રીજી જ સોસાયટીમાં દાખલ થતાં ડાબેથી જે સાતમું આવે ને ઈ જ આપણું ઘર છે હોં ! કોઈ નાના છોકરાને કે’શો તોય પૂગાડી જાશે ! આવજો કોક દી…’ (આટલું કીધા પછીયે કદી લેખિત સરનામું તો નહીં જ આપે !)

ટ્રાફિક ટિચર : આવા લોકો મોટેભાગે ડ્રાઈવીંગ સીટ પર બેઠા હોય છે. એમની પાસે ટ્રાફિક બાબતે એટલું બધું જ્ઞાન હોય છે કે આખે રસ્તે સૌને વહેંચતા ફરે છે.

‘અલ્યા, દેખાતું નથી ? સાઇડમાં ચલાવને ?’ ‘જો ! પેલો સાઈડ બતાડ્યા વિના જ વળી ગયો !’ ‘જો પેલાને ! સાલો મરવાનો થયો છે ? અલ્યા સીધો ચાલ ને ?’ ‘મારું ચાલે તો સાલાની ઉપર ચારે ચાર પૈડાં ચડાવી દઉં !’ ‘એય ક્યારનો હોર્ન શેનો મારે છે ? સાઇડ હોય તો આપું ને, નવરીના !’

હા, પ્રોબ્લેમ ફક્ત ત્યારે જ થાય છે જ્યારે અસલી ટ્રાફિક પોલીસ એને રેડ સિગ્નલ તોડવા બદલ પકડે ત્યારે જ એમને જ્ઞાન થાય છે કે એમની પાસે લાયસન્સ નથી !

ચાય બ્રેકર / પીપી બ્રેકર : સ્પીડ બ્રેકરની જેમ આ લોકોને થોડી થોડી વારે ચા પીવાની તલબ લાગે છે, અથવા તો પીપી લાગી આવે છે ! લોચો એ છે કે જો ના રોકો તો પણ એમને ‘લાગી આવે છે’ !

ખભા ઉંઘણશી / ચેપી ઉંઘણશી : અમુક હમસફર બહુ ઝડપથી તમારા ખભાના પ્રેમમાં પડી જાય છે. જો તે મહિલા હોય તો પુરુષને ગમે પણ છે ! એમાં વળી જો સાથે પત્ની હોય તો જાણે પોતાને ઊંઘનો ચેપ લાગ્યો હોય તેવો ડોળ કરીને પતિ લ્હાવો લીધા કરે છે !

મોટેથી મ્યુઝિક / ખુસપુસ વાતો :  સાચું કહીએ તો આ બન્નેનો મોટો ત્રાસ છે. એમાંય કાન ફાડી નાંખે એવું મ્યુઝિક તો હજી સહન કરી લઈએ પણ કારમાં સન્નાટો હોય ત્યારે પાછલી સીટ ઉપર બેઠેલાં બૈરાં જે ખુસપુસ ખુસપુસ વાતો કરતાં હોય એ તો શી રીતે સહન થાય ? સાચું કહેજો.

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments