નામ તો એનું બ્લુ-‘ટૂથ’ છે પણ સાલું એને મોંમા નહીં પણ કાનમાં ભેરવવાનું હોય છે ! જુઓ એ સિવાય પણ કેટલી બધી ગેરસમજો થાય છે…
***
કોઈ સૂટબુટ પહેરેલા સજ્જનને ધૂંધવાઈને, ચીડાઈને, એકલા એકલા બડબડાટ કરતા જોઈને ગેરસમજ ના કરતા કે વડીલ ગાંડા થઈ ગયા છે…
શક્ય છે કે એ કાનમાં બ્લુ-ટૂથ ભરાવીને કોઈ સાથે ધંધાની વાતો કરી રહ્યા હોય !
***
કોઈ ખુબસુરત યુવતી તમારી સામેની સીટમાં બેસીને થોડી થોડી વારે તમારી તરફ જોઈને ‘હકાર’માં ગરદન હલાવ્યા કરતી હોય તો…
ગેરસમજ ના કરતા ! એ છોકરી ‘ચાલુ’ નથી ! બિચારી કાનમાં બ્લુ-ટૂથ ભેરવીને મ્યુઝિક સાંભળી રહી છે ! સખણા રહેજો !
***
અને તમે જ્યારે કોઈ યુવાનને શીખામણોનો ડોઝ આપી રહ્યા હો ત્યારે એ યુવાન અચાનક ‘ચુપ રહે ને ! ગધેડા !’ એવું બોલી ઊઠે…
ત્યારે પણ ગેરસમજ ના કરતા ! હકીકતમાં એ બ્લુ-ટૂથ વડે ફોનમાં વાત કરવાને બહાને તમને જ સંભળાવી રહ્યો છે ! સુધરો, વડીલ સુધરો !
***
ડેન્ટિસ્ટના દવાખાના વેઇટિંગ રૂમમાં બેઠેલો કોઈ દુઃખી પુરુષ લમણા ઉપર હાથ રાખીને થોડી થોડી વારે ‘હં…’ ‘હં…’ એવા ઉંહકારા ભરતો હોય…
તો ગેરસમજ ના કરતા કે એનો દાંત સખત દુઃખી રહ્યો છે ! શક્ય છે કે એ બ્લુ-ટૂથ વડે છેલ્લા અડધા કલાકથી એની પત્ની જોડે ફોન ઉપર છે ! જરા સમજો, યાર.
***
અને કોઈ જુવાનિયાને તમે ત્રાંસી ગરદન રાખીને, એક ખભો ઊંચો રાખીને ચાલતો જુઓ તો…
એમ ના સમજતા કે આ ‘પુષ્પા’ ઇફેક્ટ છે ! હકીકતમાં એની પાસે બ્લુ-ટૂથ નથી એટલે આ રીતે ફોનમાં વાત કરવાની ટેવ પડી ગઈ છે ! સમજ્યા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment