પાંચ રાજ્યોમાં રસાકસીથી ભરપૂર ચૂંટણીઓ આવી રહી છે. જોકે ચૂંટણી આવતાંની સાથે જ અમુક શબ્દોની વ્યાખ્યાઓ બદલાઈ જાય છે ! જુઓ…
***
ટિકીટ
રેલ્વેમાં ટિકીટ વડે ‘સીટ’ રિઝર્વ કરાવવાની હોય છે. અહીં તો ‘રિઝર્વ’ સીટની ટિકીટ માટે પડાપડી છે !
***
સીટ
એક એવી બેઠક જેના માટે ઉમેદવારો ‘ઊભા’ રહે છે અને મેળવ્યા પછી ઊંઘી જાય છે !
***
અમૂલ્ય મત
જેની કિંમત બિચારી પ્રજાએ પાંચ પાંચ વરસ સુધી ચૂકવવી પડે છે !
***
ઉમેદવાર
‘પગ’થી ‘માથા’ સુધીની સફર તય કરનાર વ્યક્તિ… જે ચૂંટાયા પહેલાં 'પગે' લાગે છે અને ચૂંટાયા પછી 'માથે' ચડી જાય છે !
***
પરિણામો
પાંચ વરસની લોટરી.
***
મતપેટી
લોટરીના આંકડા બહાર પાડતું યંત્ર.
***
અસંતુષ્ટો
ભવ્ય જમણવારોની પાંચમી પંગતમાં બેસીને દસ લાડવા ખાધા પછી ‘અમને અગિયારમો લાડવો કેમ ના આપ્યો ?’ એમ કહીને ‘ભૂખ્યા’ ઊઠી જનારા લોકો !
***
બળવાખોરો
અગિયારમા લાડવા માટે આખેઆખો મંડપ બદલનારા લોકો !
***
કાર્યકરો
દાળ પીરસવા કરતાં મોહનથાળ પીરસવામાં વધારે ‘સન્માન’ મળે છે એવું માનનારા મજુરો !
***
જુનિયર નેતાઓ
કેટરિંગના કોન્ટ્રાક્ટ લેનાર રસોઇયાઓ.
***
સિનિયર નેતાઓ
હોઠ ખોલ્યા વિના આખી જાન જમી શકે એટલું ભોજન ઓહિયાં કરી જનારા જાદૂગરો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment