જુઓ, ગયા વરસે ફિલ્મો તો ખાસ રિલીઝ થઈ જ નહીં, અને જે થઇ એમાં કંઈ ભલીવાર નહોતો. એટલે 2021ના ફિલ્મી એવોર્ડ્ઝ અમે બીજી જ કેટેગરીના લોકોને આપી રહ્યા છીએ…
***
બેસ્ટ સ્ટોરી
એ જ કે ખેડૂત આંદોલન તો ખાલિસ્તાનવાળા ચલાવી રહ્યા છે ! આનાથી વધારે ઇમેજીનેટિવ અને ક્રિએટિવ વારતા બીજી કઈ હોઈ શકે ?
***
બેસ્ટ એક્શન
મમતા બેનરજીનો ફ્રેકચર થયેલો પગ ! જેને સાથે રાખીને મમતાજીએ વ્હીલચેરમાં બેસીને ચૂંટણીની ‘લડાઈ’ લડી !
***
બેસ્ટ સ્ક્રીપ્ટ રાઇટર
પ્રશાંત કીશોર ! બંગાળની ચૂંટણીની સ્ક્રીપ્ટ પોતે જ લખી હોવાનો એમનો દાવો એટલો સોલીડ લાગ્યો કે હવે બીજી પાર્ટીઓ પણ એમની પાછળ દોડી રહી છે !
***
બેસ્ટ ખલનાયક
કોઈ કોમેડિયન અચાનક વિલન બની જાય એવું તો પોલિટિક્સમાં જ બને. પંજાબના હીરો બનવાની કોશિશમાં નવજોત સિધ્ધુ માત્ર અમરિન્દર સિંહ જ નહીં કોંગ્રેસના પણ વિલન સાબિત થઈ રહ્યા છે !
***
બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક
આમ તો ‘કોરોના રિટર્ન્સ’ નામની હોરર ફિલ્મ કોણે બનાવી તે ખબર નથી પણ એનું ડરામણું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરવાનો યશ જાય છે… ટીવીની ન્યુઝ ચેનલને ! જોવાની વાત એ પણ હતી કે ડર માત્ર એન્કરોના ઘોંઘાટ વડે પેદા થતો હતો !
***
બેસ્ટ કેમિયો
નાનકડી પણ મનોરંજક ઝલક જેવા રોલને કેમિયો કહે છે. આ વરસે આ એવોર્ડ જુના અને જાણીતા કોમેડી આર્ટિસ્ટ રાહુલબાબાને જાય છે !
***
બેસ્ટ સ્પેશીયલ ઇફેક્ટ
રાતોરાત રૂપાણી સાહેબનું આખું મંત્રીમંડળ ગાયબ થઈ ગયું ! અને એની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ તથા બીજા 24 બ્રાન્ડ ન્યુ ચહેરા પ્રગટ થઈ ગયા ! બોલો, આ ડિજીટલ સ્પેશીયલ ઇફેક્ટોથી કંઈ કમ છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment