ઠંડી તો વધતી જ જાય છે ! લો, આવી મોસમમાં જરા હાસ્ય વડે હુંફ લાવવા માટેના કાર્ટૂન્સ…
***
ફિલ્મ હિરોઈનના બંગલે
બંગલામાં ઇન્કમટેક્સની રેડ પડી છે. ડઝનબંધ કાળા કોટવાળા ઓફિસરો ઘડીકમાં દિવાલ ઉપર લટકાવેલી ઘડિયાળ તરફ જોઈ રહી છે. તો ઘડીકમાં પોતપોતાની કાંડા ઘડિયાળમાં જોઈને દાંત કચકચાવી રહ્યા છે.
હિરોઇનનો સેક્રેટરી બાથરૂમના દરવાજાની બહાર ઊભો છે. એ કહે છે :
‘સાહેબો, હું ખરેખર સાચું બોલી રહ્યો છું… મેડમ બાથરૂમમાં જ ગયાં છે, પણ વાત એમ છે કે… છેલ્લા બે કલાકથી નહાવાની હિંમત નથી કરી શકતાં !’
***
ભારત-પાક બોર્ડર ઉપર
ચારે બાજુ બરફ છવાયેલો છે. ટેમ્પરેચર માઈનસ 15 ડીગ્રી બતાડે છે. ભારતીય જવાનો સ્ટેન્ડ-ટુ રહીને બોર્ડર ઉપર સખત પહેરો કરી રહ્યા છે. આકાશમાંથી સતત ઝીણો ઝીણો બરફ વરસી રહ્યો છે.
બે ચાર જવાનો હાથમાં દૂરબીન પકડીને દૂર દૂર બોર્ડરની પેલે પાર ચાંપતી નજર રાખી રહ્યા છે.
એવામાં એક જવાન હાથમાં રેડિયો ટ્રાન્સમીટર લઇને ભારતીય ફોજના પ્લાટુન કમાન્ડર પાસે આવીને કહે છે :
‘સર, સામેની આતંકવાદી છાવણીમાંથી એક મેસેજ આવ્યો છે. જંગલમાં સંતાયેલા ટેરરિસ્ટો કહે છે કે અમારાં છૂપા અડ્ડાઓ ઉપર જલ્દીથી બોમ્બમારો કરો… નહિતર અમે તો આ ઠંડીમાં જ ઠૂંઠવાઈને મરી જઈશું !’
***
શિમલાના જાહેર શૌચાલય પાસે…
સવારનો સમય છે. આખા શિમલા શહેરમાં બરફના થર જામી ગયા છે. ચારેબાજુ સન્નાટો છે. વાહનો પણ થંભી ગયાં છે. છતાં એક જાહેર શૌચાલયની બહાર લાંબી લાઈન લાગી છે !
કેમ ? કારણ કે શૌચાલયની બહાર પાટિયું માર્યું છે : ‘નળમાંથી ગરમ પાણી આવે છે ! એકસ્ટ્રા ચાર્જ માત્ર 5 રૂપિયા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment