લો બોલો ! અમારા મહેસાણાવાળા બકાએ પેલી સાઉથવાળી સુપરહિટ ફિલમ ‘પુષ્પા’ જોઈ નાંખી ! હવે એણે એ ફિલમનો ‘રિવ્યુ’ અમને લખી મોકલ્યો છે ! તમે પણ વાંચો…
***
મન્નુભઈ, આ તો હારું છ કે મેં આ ‘પુષ્પા’ પિકચર મારી બકુડીના ઘેરે મફતના ભાવે ઓટીટીમોં જોયું. બાકી થિયેટરમોં જઈને જોયું હોત તો એ ગંધારા દાઢીવારાને બે લાફા ઠોકવા હારુ મેં પરદો તોડી નાંખ્યો હોત !
એક તો હાહરો ન્હાયા ધોયા વનાનો, આખા પિચ્ચરમોં લુખ્ખાગિરી કરતો ફર છ, ને જોંણે દાઝી ગયેલી દાળ તપેલીમોં ચોંટી ગઈ હોય ઇંને ઉખાડવા હારુ તવેથો ફેરવતો હોય ઇમ પોતાની દાઢીમોં તવેથા જેવો હાથ ફેવરીને બોલ્યા કરે છે કે ‘મેં ઝૂકેગા નંઈ… મેં ઝૂકેગા નંઈ !’
અલ્યા અડબંગ, તારો એક ખભો ગુરુત્વાકર્સણના કયા નિયમથી ઓલરેડી ઝૂકી ગૈલો છ, ઇની વાત કર ને ? ઉપરથી એક ટોંટીયો જમીનમોં ઢહડીને જે રીતે હેંડે છે એ હિશાબે તો મન્નુભઈ, મને લાગે છે કે પિચ્ચરનો બીજો ભાગ આવ ત્યોં લગીમોં તો એ ઈની કમ્મરથી જ અડધો ઝૂકીને હેંડતો હશે ! બોલ્યા મોટા, ઝૂકેગા નંઈ… ઝૂકેગા નંઈ…
અન મન્નુભઈ, પ્રેમમોં ય ચેવી રીતે પડ છ ? પેલી શ્રીવલ્લી ઈને ગમી ગઈ એટલે કોંય ખરીદી લેવાની ? સરુઆતમોં તો હમજ્યા કે પિચ્ચરની ટિકીટો અલાઈ દીધી ઈના બદલામોં સ્માઈલ માગી લીધું પણ પછી તો પોંચ હજ્જાર રૂપિયામોં હાહરીનો ‘કીશ’ મોંગે છે !
પણ શ્રીવલ્લી યે મારી બેટી ગુજરાતી હોવી જોઈએ ! અથવા તો કમ શે કમ બે ચાર વાર અમદાવાદમોં આઈને ઇણે શાબરમતીનું પોણી પીધું હોવું જોઈએ ! કેમકે, ઈ છોડીએ આખું ગણિત મનમોં ને મનમોં ગણી નોંખ્યું કે અત્તારે એક ‘કીશ’ના પોંચ હજાર આલે છે તો આગળ જતોં લગનનું ‘ટોટલ પેકેજ’ ચેટલા લાખનું થઈને ઊભું રે’શે !
પણ મન્નુભઈ, તમે હાચું કે’જો, જો તમારી દિકરી હોય કે તમારી બોન હોય તો આવા પુષ્પા જેવાને કદી પૈણાવો ખરા ?
અલ્યા, જરીક તો વિચાર કરો ? જે છોકરો લગનનું મૂરત લાગી ગ્યું છ તાણ કોઈ ટાલિયા ઇન્સ્પેક્ટર જોડે બબ્બે કલ્લાક દારૂ પીતો બેઠો હોય, ને આખા મંડપમોં બધોંય ટેન્શનમોં ને ટેન્શનમોં રાહ જોતોં બેઠોં હોય, તાણે… ખાલી ચડ્ડી પેરીને બાઈક ઉપર હેંડ્યો આવે… આવાને કોઈ કદી જમઇ બનાવે ખરો ?
હાચું કે’જો મન્નુભઈ, તમીં પેલી છોડીના બાપની જગાએ હો તો હાહરીના પુષ્પાના ડાચા ઉપર બે લાફા ઠોકીને હંભળાઈ દો કે નંઈ ? કે ‘રોંચા ! અંઈ મારી છોડીને પૈણવા આયો છ કે ગોંમની હોંમે તમાશો કરવા ? જા, હેંડતીનો થા !’ પણ મન્નુભઈ, આ તો શોશલ મિડિયામોં પિચ્ચર ‘બઉ હારી, બઉ ટોપ, બઉ શુપ્પર હિટ…’ ઇમ થૈ જ્યું અટલે જોનારા પોતાની અક્કલ ખિશ્શામોં મેલીને જોયા કર છે.
મું તો પિચ્ચરની શરૂઆતમોં જ પુષ્પાનોં લખ્ખણ જોઈને હમજી ગૈલો કે આ હાળી વંઠેલ આઇટમ છ ! મજુરીની નોકરીમોં ય ચેવો પગ ઉપર પગ ચડાઈને બીડી ફૂંકતો બેહી રયો છ ? આપડોંને ઇમ કે આગળ જતોં એ મજુરોનું ભલું કરવાવારો યુનિયન લીડર બનશે ! પણ હાહરીનો પોતાનું જ રાજ મોટું કરવામાં પડ્યો છ !
તમીં જુઓ, ઈ હાહરીનો પુષ્પો જેની જેની ત્યોં નોકરીમોં કે ભાગીદારીમોં ર’યો છ, ઇંની જ થાળીમોં થૂંક્યો છ !
જોનારા લોકો ય ગોંડા છ. પેલોં ચંદનનો લાકડોં પોલીસ ના પકડે ઇમ જોંણીને નદીમોં પધરાઈ દે છે… ને પછી પેલા ડેમમોં ભેગોં થઈ જોંય છ… ઇને બધા ‘ગ્રેટ આઇડિયા…’ ‘ટોપ આઇડિયા…’ 'સુપર આઇડિયા..' કરીને વખોંણે છે ! અલ્યા ભઈ, એવડા મોટા ડેમમાંથી તમારો પુષ્પો લાકડોં બા’ર શી રીતે કાઢશી ?
માછલી પકડવાની જાળીઓ નોંખીને ? ત્યોં તો હોડીઓ લાબ્બી પડવાની કે નંઈ ? તો આટલી બધી હોડીઓ ચોંથી લાવશીં ? પછી લાકડોંને બહાર શી રીતે કાઢશીં ? લિફ્ટ મુકાઈને ? અને ત્યોંથી છેક મુંબઈ લગી લઈ જવા માટે ડેમ ઉપર ચાર ડઝન ટ્રક લાવશીં... તાણ કોઈ પોલીશવારાને કશી ખબર જ નંઈ પડે ?
પણ વોંધો નંઈ મન્નુભઈ, કોંમેડી પિચ્ચર છ, ઇમ હમજીને જુવો તો કોંઈ ખોટું નહીં !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment