પ્રી-વેડિંગ શૂટ... ત્યારનાં, આજનાં !

સાચું કહેજો વડીલ, શું તમારા જમાનામાં ‘પ્રી-વેડિંગ શૂટ’ જેવું કશું હતું ખરું ? હકીકત તો એ છે કે અમુક વડીલોને તો પોતાના લાકડે કોનું માંકડું વળગાડી દીધું છે એ છેક લગ્નના દિવસે જ ખબર પડતી હતી !

છતાં ભૂલેચૂકે જો સગાઈ પછી પોતાનાવાળીની સાથે ક્યાંક ફરવા જવાનું ગોઠવ્યું હોય તો પેલીની જોડે જોડે એની માસી કે ફોઈની દિકરીનું એકાદ લંગશિયું તો ચોંટેલું જ હોય ! આમાં વધુમાં વધુ એક ‘ફેન્ટા’ની બાટલીમાં બે ભૂંગળીઓ નાંખીને બાટલી જાહેરમાં પીવાથી વધારે રોમેન્ટિક બનવાના ચાન્સો જ ક્યાં મળતા હતા ? એમાં પછી ‘ફોટો’ શૂટની તો વાત જ ક્યાંથી આવે ?

અરે, લગ્ન પછી ક્યારેક વળી કપલ-ફોટો (એ પણ બચ્ચાંઓની ‘યાદગિરી’ માટે) પડાવવા ગયા હોઈએ તો પેલો ચાલુ ટાઈપનો ફોટોગ્રાફર પત્નીને ‘ભાભી-ભાભી’ કરીને મારો  બેટો ખભા સરખા કરવાને બહાને, ચહેરો સરખો કરવાને બહાને એને સાત વાર અડે ! અને આપણી સામું તો જુએ પણ નહીં !

આવા વખતે આપણને એવી દાઝ ચડી હોય કે બેટાને એક લમણાવાળી ઠોકી દઈએ પણ પત્નીનો ‘પોઝ’ ના બગડી જાય એટલા ખાતર આપણે દાંત ભીંસીને ચૂપ રહ્યા હોઈએ. જ્યારે પેલો ફોટોગ્રાફર કેમેરાની પાછળ જઈને એક હાથ ઊંચો કરીને બોલે ‘ભાભી અહીં જુઓ અહીં… અને કાકા, તમે સ્હેજ સ્માઈલ તો આપો ?’ ત્યારે આપણે કચકચાવેલા દાંત સાથે માંડ માંડ હોઠ ખેંચીને ગિલોલની માફક સ્માઇલ અટકાવી રાખ્યું હોય !

હવે તમે જ કહો, આને ‘પ્રી-વેડીંગ’ કે ‘પોસ્ટ-વેડિંગ’ તો શું, ‘વેડિંગ-ફોટો’ પણ કહેવાય ખરો ? (અમુક કપલના ફોટા તો ‘વેલ્ડીંગ-ફોટો’ જેવા આવતા હતા !)

જ્યારે આજે પ્રી-વેડિંગ શૂટ તો જાણે એક આખી સ્વતંત્ર લગ્ન-વિધિ બની ગઈ છે. દરેક કપલને લાગે છે કે એ બન્ને તો ફિલ્મ-સ્ટારો જ બનવા માટે સર્જાયેલા હતા પણ નસીબ આડે (એકબીજાની) કુંડળી હતી ! જોવાની વાત એ છે કે રણવીર-દિપીકા અથવા વિકી કૌશલ-કેટરિના જેવાં ફિલ્મી કપલ તો પ્રિ-વેડિંગ શૂટ કરાવતાં જ નથી. (અને જો કરાવે તો એના કરોડો રૂપિયા માગે છે. એમનામાં ચાંલ્લો લેવાનો રીવાજ બંધ છે ને, એટલે !)

આ બાજુ આપણાં વેડિંગ ફોટોગ્રાફરો પણ કંઈ કમ નથી હોતા, છોકરીના છ ચણિયા-ચોળી અને છોકરાંના બે બાઈક આવી જાય એવી એવી મોટી ફી માગે છે. અચ્છા, આટલા બધા રૂપિયા ચાર્જ કર્યા પછી શૂટિંગ માટે ક્યાં લઈ જશે ? તો કહે ખંડેરમાં ! જુના રેલ્વેયાર્ડમાં ! કોઈ અવાવરુ વાવમાં ! વેરાન જંગલમાં ક્યાંક ઝાડી ઝાંખરાની વચમાં ! કારણ એ નથી કે આજકાલ આ બધું ‘ફોટોજેનિક’ કહેવાય છે. મૂળ કારણ એ છે કે પેલો ફોટોગ્રાફર તમને આવનારા ભવિષ્યની હિન્ટ આપી રહ્યો છે !

અચ્છા, ફોટોગ્રાફરની સાથે એનો ‘સ્ટાફ’ પણ હોય છે. એમાં મેકપવાળી બે છોકરીઓ હોય, જેમાંથી એક કન્યાની હેર-સ્ટાઇલો કરી આપે અને બીજી ચહેરો ચીતરી આપે ! તો મૂરતિયાએ શું કરવાનું ? એને કોઈ માથે છત્રી પણ ના ધરે !

આજકાલનાં કપલને પોઝ આપવાનું શીખવાડવું પડતું નથી કેમકે બારમા ધોરણથી જ એમણે કપલ વચ્ચેની ‘કેમેસ્ટ્રી’નાં ટ્યૂશનો કરેલાં હોય છે. વળી આ નવી ‘ફેસબુક-સેલ્ફી’ જનરેશનને એ પણ ખબર હોય છે કે કયા એંગલથી એમનો ફેસ સારો દેખાય છે. આમાં બિચારા ફોટોગ્રાફરની મહેનત વધી જાય, કેમકે એ કંઈ પણ નવો પોઝ લેવાની કોશિશ કરે, કન્યા હરીફરીને પોતાના ફેવરીટ ‘સેલ્ફી પોઝ’માં જ ગોઠવાઈ જવાની !

ઠીક છે, વડીલો ભલે એમનાં પ્રિ-વેડિંગ શૂટ ના કરાવી શક્યા હોય પણ જ્યારે ગોવા મહાબળેશ્વર જાય છે ત્યારે રંગબિરંગી બરમૂડા, ગોગલ્સ અને ચકરડાં ભમરડાંવાળા ટી-શર્ટો પહેરીને ‘કાર્ટૂન-કપલ-શૂટ’ તો કરાવી જ લે છે ને ?

યહી હૈ રાઇટ ચોઇસ, કાકી !

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments