વધુ કોવિડ વેરિયન્ટ્સ !

રવિવારે જે નવા કોવિડ-શબ્દ વેરિયન્ટ શોધ્યા હતા તેમાં હજી નવા ઉમેરા થઇ રહ્યા છે…

***

કો-વિષ

કોવિડના નામે રાજકીય પાર્ટીઓએ લોકોના દિમાગમાં જે ઝેર ભર્યું છે તે વાયરસનું આ સાચું નામ છે.

***

કો-વીરલા

આ મહામારીના સમયમાં અમુક મહા વીરપુરુષો પણ નામ કમાઈ ગયા ! અમુક વીરલા કોઈ ઇન્જેક્શનોનો સ્ટોક દબાવીને બેસી ગયા હતા તો અમુક વીરલા પોતે માસ્ક પહેર્યા વિના નાના બાળકને માસ્ક પહેરતાં શીખવતા હોય એવા ફોટા પડાવતા હતા !

***

કોવિરામ

ટીવીની ન્યુઝ ચેનલો માટે આ સૌથી બોરિંગ ઇન્ટરવલ હતો. જોકે હવે એ લોકો ફરી ‘બ્રેક-કે-બાદ’ બૂમ બરાડા પાડવામાં બિઝી થઈ ગયા છે.

***

કોવાવણી

સરઘસો કાઢીને, ભીડ ભેગી કરીને, મેળાઓ થવી દઈને, ધર્મસ્થાનોમાં ટોળાં ઉમેટવા દઈને જે વ્યવસ્થિત રીતે કોવિડની ‘વાવણી’ કરવામાં આવે છે તેનું જ આ નામ છે. વાવણી જેટલી સારી એટલી જ ‘લણણી’માં વધારે કમાણી !

***

કોવર

માત્ર 50-50 મહેમાનોની હાજરીમાં ડરતાં ડરતાં, માસ્ક પહેરીને જેઓ પરણ્યા છે એ ‘વર’ની વાત નથી ! આ તો બબ્બે લહેરમાં જે વર કચરા, પોતાં, વાસણ, કપડાં અને રસોઈ શીખી ગયા છે એેમનો વેરિયન્ટ છે !

***

કોવટાણા

જ્યારે કોઇ સરકારી અધિકારી કે એજન્સી સાચા આંકડાના વટાણા વેરી નાંખે છે…

***

કોવતેસર

અને જ્યારે નાની અમથી ગફલત વડે અનેક લાશોનું મોટું વતેસર થઈ જાય છે…

***

- મન્નુ શેખચલ્લી

Comments