અમદાવાદ કરતાં કરાચી સસ્તું ?!

દુનિયામાં સૌથી સસ્તાં શહેરોની યાદી જાહેર થઇ એમાં હદ થઈ ગઈ ! વર્લ્ડના સસ્તામાં સસ્તાં શહેરોમાં ભલે અમદાવાદનો નંબર 7મો હોય, પણ કરાંચી 6 નંબરે શી રીતે હોઈ શકે ? યે સરાસર ના-ઇન્સાફી હૈ…

***

શું કરાંચીની ઔરતો 10 પાણીપુરી ખાધા પછી 2 ને બદલે 4 કોરી પુરી મફતમાં માગી લે છે ? પૂછી જુઓ...

***

શું કરાંચીમાં જ્યારે ‘ડિફેક્ટીવ’ સાડી (કે બુરખા)નું સેલ લાગે છે ત્યારે ઔરતો ધક્કામુક્કી કરીને મારામારી સુધીનો હંગામો મચાવી શકે છે ? ઇમ્પોસિબલ !

***

શું કરાંચીમાં કોઈ એક મોલ એવો છે કે જ્યાં 90 ટકા પબ્લિક ફક્ત એસીની હવા ખાવા માટે આવે છે અને 10 ટકા પબ્લિક ભાવ પૂછીને ખરીદી પણ કરતી નથી ? અમદાવાદમાં તો બધા જ મોલ એવા છે !

***

અરે, કરાંચીના કોઈ દુકાનદારને ઘરાક માટે એવી રીતે અડધી ચા મંગાવવાનો ઇશારો કરતાં આવડે છે કે ચાવાળો સમજી જાય કે ‘હમણાં’ ચા આપવાની નથી ?

***

એ છોડો, શું કરાચીમાં ‘પા’ ચા મળે છે ? બોલો.

***

મને એ કહો, શું કરાંચીમાં ચોળાફળી અને ચટણી, પેપર-ડીશને બદલે છાપામાં આપી દેવામાં આવે છે ?

એ તો ઠીક, કરાંચીમાં ચોળાફળી ખાઈ લીધા પછી ઘરાકો ‘હાથ લૂછવા માટે’ છાપાનો વધુ એક ટુકડો માગે છે ? શીખો, અમદાવાદ પાસેથી કંઈ શીખો !

***

છાપાની વાત નીકળી છે તો મને એ કહો, કે શું કરાંચીનો પાડોશી તમારા ઘરનું છાપું તમારાથી વહેલા ઊઠીને ગુપચાવી જાય છે ? અને એમાંથી પૂર્તિનાં પાનાં પસ્તી માટે કાઢીને બાકીનું તમને પાછું આપી જાય છે ?

***

અરે, સૌથી પહેલાં તો એ કહો કે કરાંચીના કયા છાપામાં ‘ઇનામો’ માટેની ‘કુપનો’ છપાય છે ?

અને કયા છાપામાં ઇનામી કુપનોની જાહેરાત માટે સલમાન ખાન જેવા સ્ટારના ફોટા છપાય છે ? વાત કરો છો…

***

બાકી, પતી ગયેલી ટુથપેસ્ટને દબાવીને કરાંચીવાળા છ દિવસ વધારે ચલાવતા હશે પણ અમદાવાદીઓ તો સાતમો અને આઠમો દિવસ ટુથપેસ્ટને કાતરથી ખોલીને વાપરી જાણે છે !

આવ્યા મોટા 'સસ્તું' શહેર બનવાવાળા !

***

- મન્નુ શેખચલ્લી

Comments