ઓમેક્રોન સિવાયનાં જીવાણુઓ !

ઓમિક્રોન તો હમણાં આવ્યું પણ આપણા દેશમાં તો એની પહેલાં કંઈ કેટલાય વરસોથી ખતરનાક વાયરસનાં જીવાણુંઓ હયાત હતાં ! જુઓ લિસ્ટ…

***

લેવોક્રોન

સરકારી કર્મચારીઓ, પોલીસો, નેતાઓ, મિનિસ્ટરો કે ઇવન કોર્ટના જજ સાહેબોમાં આ વાયરસ વરસોથી ઘૂસેલો છે. આ વાયરસ જેનામાં ઘૂસ્યો તે કોઈપણ કામ કશું ‘લીધા વિના’ કરી શકતા જ નથી. એટલે જ એને ‘લેવોક્રોન’ કહે છે.

હપ્તો, કમિશન, કટકી, દલાલી, મલાઈ, લાંચ કે ભેટ જેવા શબ્દો આ વાયરસનાં જ અલગ અલગ નામો છે.

***

ઠેંગ્યુ

આ જીવાણુઓનો જેને ચેપ લાગે છે તેને ‘ઠેંગો’ દેખાડવાની આદત પડી જાય છે. એમને તમે વોટ આપો, માન આપો, સન્માન આપો, પગે પડો કે હાથ જોડીને કાલાવાલા કરો… જવાબમાં  તમને ઠેંગો જ મળશે.

ચૂંટણી જીતી ગયા પછી મોટાભાગના નેતાઓને આ વાયરસ વળગે છે.

***

તીન ગુનિયા

આ જીવાણુઓના ચેપીઓને દરેક ચીજને ત્રણ ગણી કરી નાંખવાની બિમારી લાગુ પડી જાય છે. દાખલા તરીકે રોડના રિપેરિંગ માટે થનારા ખર્ચનું ટેન્ડર !

એ જ રીતે જેને દાનમાં, ભીખમાં કે સરકાર પાસેથી સબસીડીમાં કંઈ લેવું છે એ લોકો પણ પોતાની હાલત કેટલી ખરાબ છે  તેની વાતો ત્રણ ગણી બઢાવી ચઢાવીને રજુ કરે છે.

***

વાંકોલાઇટિસ

આ વાયરસ મોટે ભાગે વિરોધ પક્ષના નેતાઓને લાગુ પડતો હોય છે. એમને દરેક વાતમાં કંઈને કંઈ વાંકુ જ પડતું હોય છે !

જોકે શાસક પક્ષના નેતાઓને જે જીવાણુ વળગે છે તેમાં વર્તન બદલાઈ જાય છે. અહીં પોતાની નિષ્ફળતા માટે હંમેશા બીજાઓનો વાંક કાઢવામાં આવે છે.

***

નોનસેન્સ્કીન

આ વાયરસ લગભગ દરેક નેતાના લોહીમાં જ હોય છે. એના કારણે એમની ચામડી ધીમે ધીમે જાડી થતાં થતાં સેન્સિટિવીટી ગુમાવી બેસે છે. જેના કારણે માત્ર ત્વચા જ નહીં એમની બુદ્ધિમાંથી પણ ‘સેન્સ’ ગાયબ થતી જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments